આયાતી તેલમાં મિશ્ર વલણ, કામકાજો નિરસ

મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે સાધારણ નવ સેન્ટનો સુધારો આવ્યાના અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં નવ રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશો હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ તેમ જ હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં સ્થાનિકમા આયાતી તેલમાં 10 કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો અને આરબીડી પામોલિનમાં રૂ. પાંચનો સુધારો જોવા મળ્યો હતો તથા અન્ય દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એવીઆઈનાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1260 તથા સન રિફાઈન્ડના રૂ. 1425, જી-વનના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1271 અને રૂ. 1261, ગોકુલ એગ્રોનાં સોયા રિફાઈન્ડના રૂ. 1260, ગોદરેજ એગ્રોવેટના આરબીડી પામોલિનના રૂ. 1245, રિલાયન્સ રિટેલના સોયા રિફાઈન્ડના રૂ. 1255 અને પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1285 અને સન રિફાઈન્ડના રૂ. 1410 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ સેલરિસેલમાં થયેલા છૂટાછવાયા વેપારને બાદ કરતાં એકંદરે વેપાર નિરસ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે ગુજરાતમાં ગોંડલ મથકે 25,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1000થી 1300માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે 7500 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1000થી 1275માં થયાના અહેવાલ હતા.
સ્થાનિકમાં આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1360, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350 અને સરસવના રૂ. 1600ના મથાળે ટકેલા રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 2140માં અને લૂઝમાં 10 કિલોદીઠ 10 ઘટીને રૂ. 1330માં ટકેલા ધોરણે થયા હતા.
આ પણ વાંચો…ઑગસ્ટમાં વનસ્પતિ તેલની આયાત સાત ટકા વધી