વેપાર

વિવિધ ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે વિવિધ ધાતુઓમાં માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને ટીનમાં સતત પાંચમાં સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨નો અને નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારમાં રૂ. એકનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય નિકલમાં સ્ટોકિસ્ટોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. આઠનો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ટીનમાં સતત પાંચમાં સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૧૩૮ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પાંચ સત્ર દરમિયાન ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૭નો ઘટાડો આવ્યો છે. વધુમાં આજે સાર્વત્રિક સ્તરેથી નિરસ માગ રહેતાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૬૫૦ અને રૂ. ૭૪૬ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઍલૉય ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૧૬૪૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૧૭૩, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૫૦૭ અને રૂ. ૨૧૭ તથા કોપર કેબલ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૧૧ અને રૂ. ૨૩૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય તમામ ધાતુઓમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું
હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button