પાંખાં કામકાજ વચ્ચે Goldમાં ₹105નો સુધારો, Silverમાં ₹112ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી ઔંસદીઠ $2048.12ની સપાટીએ પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે અમેરિકી ફેડરસ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ હતું અને વાયદામાં ધીમો સુધારો આવ્યો હતો તથા ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે આજે વૈશ્વિક બજારનાં મિશ્ર અહેવાલ છતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા ભાવમાં 10 ગ્રામદીઠ ₹105નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ ₹112ઘટી આવ્યા હતા.
દરમિયાન આજે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલી આંકડાકીય માહિતી અનુસાર ગત કૅલૅન્ડર વર્ષ 2023માં સોનાના ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી સોનાની માગ જે વર્ષ 2022માં 774.1 ટનની હતી તેની સામે ત્રણ ટકા ઘટીને 747.5 ટનની સપાટીએ રહી હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું. જોકે, વર્તમાન વર્ષ 2024માં માગ 800થી 900 ટન આસપાસ રહેવાની ધારણા કાઉન્સિલે મૂકી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ ₹112 ઘટીને ₹71,630ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવ વધારો 10 ગ્રામદીઠ ₹105 સુધી મર્યાદિત રહેતાં 99.5 ટચ અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે ₹62,464 અને ₹62,715ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ $2035.10 આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ 0.1% વધીને $2033.30 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.4% ઘટીને ઔંસદીઠ $23.7 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજની બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાતની શરૂઆત ક્યારથી કરશે તેનો અણસાર આપે છે કે કેમ તેના પર સ્થિર થઈ છે. જોકે, એક મહિના અગાઉ માર્ચ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાસની શક્યતા જે 90% રાખવામાં આવી રહી હતી તેની સામે હવે બજાર વર્તુળો માત્ર 40% શક્યતા રાખી રહ્યા છે.