વેપાર

મધ્યપૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું ત્રણ મહિનાની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી ભીતિ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાનો અંત લાવવાની નજીકમાં જ હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતા ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશ હતા. આમ વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૮થી ૬૭૧ ઉછળીને રૂ. ૬૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

જોકે, વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૪૯નો ધીમો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ઊંચા મથાળેથી રૂંધાઈ ગઈ હતી તેમ છતાં દરિયાપારના પ્રોત્સાહક નિર્દેશ સાથે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૮ વધીને રૂ. ૬૦,૩૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૭૧ વધીને રૂ. ૬૦,૬૧૧ના મથાળે રહ્યા હતા. જોકે, વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૯ના સાધારણ સુધારા સાથે રૂ. ૭૧,૩૭૩ના મથાળે રહ્યા હતા.

ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તેવી ભીતિ સપાટી પર આવતા સોનામાં સલામતી માટેની માગ પ્રબળ બની હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વ દ્વારા હવે વ્યાજદરમાં વધુ વધારો કરવામાં નહીં આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને જુલાઈ, ૨૦૨૦ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯૭૮.૧૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૯૮૯.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


ગઈકાલે ઈઝરાયલનાં સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે લશ્કરી ટુકડીને ગાઝા સરહદ પર એકત્રિત થવાનો નિર્દેશ આપતાં મોટા હુમલાની તૈયારી થઈ રહી હોવાનું જણાતા સોનામાં સલામતી માટેની માગ વધી હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે રાજકીય-ભૌગોલિક તણાવ અને નાણાકીય અનિશ્ર્ચિતતાને પગલે સોનામાં સલામતી માટેની માગને ટેકે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં વૈશ્વિક
ભાવમાં ૨.૪ ટકાનો ઉછાળો આવી ગયો છે.

જોકે, અમુક વિશ્ર્લેષકોનું માનવું છે કે હાલમાં સોનાએ ઔંસદીઠ ૧૯૭૨ ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવી દીધી હોવાથી ભાવ વધીને ૧૯૯૮થી ૨૦૧૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button