ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ ધાતુમાં ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવામાં વધારો થયો હોવાના અહેવાલ સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે સાધારણ કિલોદીઠ રૂ. એકની નરમાઈને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી તથા વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 17 સુધીનો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 17 વધીને રૂ. 1362, રૂ. 15 વધીને રૂ. 3156 અને રૂ. 10 વધીને રૂ. 961ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. 846, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. 859 અને રૂ. 620, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 871, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. 573 અને રૂ. 265, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 782 અને રૂ. 280 તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 218ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી માગ નબળી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. 183ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો…ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો