વિશ્ર્વ બજાર પાછળ કોપર સહિતની ધાતુઓમાં પીછેહઠ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની માગ અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં રહેલા ટકેલા વલણ અને ટીનમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. ૧૦ના સુધારાને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૭ સુધીનો ઘટાડો આવ્યો હતો. આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ખાસ કરીને ચીનની માગની ચિંતા વચ્ચે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ વધુ ૦.૬ ટકા ઘટીને ટનદીઠ ૭૯૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં કોપરના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો આવી ગયો છે. આ સિવાય અન્ય ધાતુઓમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે એલ્યુમિનિયમના ભાવ ૦.૩ ટકા ઝિન્કના ભાવ ૦.૫ ટકા, લીડના ભાવ ૦.૬ ટકા અને નિકલના ભાવ ૦.૮ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં જે ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને રૂ. ૭૧૨, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૬૯૭, કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૮૮ અને રૂ. ૨૧૦, બ્રાસ શીટ કટિંગ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૪૯૩ અને રૂ. ૧૮૮ અને કોપર આર્મિચર તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૬૭૮ અને રૂ. ૬૪૩ના મથાળે રહ્યા હતા.