વેપાર

ચીનના સ્ટિમ્યુલસ પેકેજના આશાવાદે કોપર સહિતની ધાતુઓમાં સુધારો

મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન પ્રોપર્ટી માર્કેટની મંદી ખાળવા માટે સ્ટિમ્યુલસ પેકેજની વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. બેના ઘટાડા અને લીડ ઈન્ગોટ્સ તથા ટીનમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટો અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણથી ૧૧નો સુધારો આવ્યો હતો.

ચીનમાં કથળેલી પ્રોપર્ટી માર્કેટમાં સુધારો લાવવા માટે બેઈજિંગ ૫.૪ ટ્રિલિયન ડૉલરનાં રિફાઈનાન્સિંગ અંગે વિચારણા કરી રહ્યું હોવાના પ્રસાર માધ્યમોમાં અહેવાલો વહેતા થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ટનદીઠ ૯૩૨૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.

આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં ખાસ કરીને નિકલ, કોપર વાયરબાર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૧ વધીને રૂ. ૮૩૬, રૂ. આઠ વધીને રૂ. ૧૪૪૮ અને રૂ. છ વધીને રૂ. ૭૨૬ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૭૫, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૭૮૭ અને રૂ. ૫૬૦ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૯૫, રૂ. ૫૨૩ અને રૂ. ૨૩૭ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે એક માત્ર નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૧૯૪ અને લીડ ઈન્ગોટ્સ તથા ટીનમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯૧ અને રૂ. ૨૮૨૧ના મથાળે ટકેલા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button