વેચવાલીના દબાણે ધાતુમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધ તરફથી)
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન અને અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ વચ્ચે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સપ્તાહના અંતે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણથી ૩૩નો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સપ્તાહના અંતે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ અને વપરાશકાર ઉદ્યોગની લેવાલી પણ ખપપૂરતી રહેતાં મુખ્યત્વે ટીન અને નિકલના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૩ ઘટીને રૂ. ૨૮૩૩ અને રૂ. ૨૩ ઘટીને રૂ. ૧૫૪૨ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપરની વેરાઈટીઓમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૭ ઘટીને રૂ. ૮૭૩, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૪ ઘટીને રૂ. ૮૪૭, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ ઘટીને રૂ. ૮૩૭, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૮૨૦ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૭૭૨ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૨૬૪ અને બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૫૭૧, રૂ. ૫૩૫ અને રૂ. ૨૪૨ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮૭ અને રૂ. ૧૯૬ના મથાળે ટકેલા રહ્યા હતા.