ધાતુમાં ખપપૂરતા કામકાજે સાંકડી વધઘટ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ધીમા સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હોવાથી વિવિધ ધાતુઓમાં જોવા મળેલી માગ અનુસાર ભાવ સાંકડી વધઘટે અથડાઈ જતાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે જે ધાતુઓનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં મુખ્યત્વે બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 627, રૂ. 580 અને રૂ. 953 તથા કોપર કેબલ સ્ક્રેપ તથા કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. 880 અને રૂ. 867ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ તથા સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. 249 અને કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ, ટીન અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 850, રૂ. 784, રૂ. 280, રૂ. 3104 અને રૂ. 1357ના મથાળે રહ્યા હતા.