નિકલ, ઝિન્ક અને કોપરની અમુક વેરાઈટીઓમાં સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

નિકલ, ઝિન્ક અને કોપરની અમુક વેરાઈટીઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીનો ટેકો મળતા ભાવમાં કિલોદીઠ ચારનો સુધારો આવ્યો હતો.

આ સિવાય કોપરની અમુક વેરાઈટીઓ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી બે વધી આવ્યા હતા. જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટી આવ્યા હતા તથા અન્ય તમામ ધાતુઓનાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

આપણ વાંચો: ટીન અને નિકલની આગેવાનીમાં ચોક્કસ ધાતુઓમાં સુધારો

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ચારના સુધારા સાથે રૂ. 1377ના મથાળે અને વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 877, રૂ. 863 અને રૂ. 961ના મથાળે તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 283ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. 3162ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર આર્મિચર, એલ્યુમિનિયમ, બ્રાસ તથા લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ ખપપૂરતી માગ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button