ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં ગાબડાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન અને અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડી રહી હોવાની ચિંતા સપાટી પર રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ભાવ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યાના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં ટીન અને નિકલની આગેવાની હેઠળ તમામ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૮૪ના ગાબડાં પડ્યા હતા.
આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી ઉપરાંત ઘટતી બજારમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૮૪ના ગાબડાં સાથે રૂ. ૨૮૭૫ અને રૂ. ૩૫ના ગાબડાં સાથે રૂ. ૧૬૧૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી નિરસ રહેતાં ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો તેમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૮૫૩, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૮૪૪, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. નવ ઘટીને રૂ. ૮૨૮, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ ઘટીને અનુક્રમે રૂ. ૭૭૫ અને રૂ. ૮૮૮, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૮૮૮, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. ૫૭૦, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૨૬૭ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૨૪૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮૭ અને રૂ. ૧૯૬ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.