વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર લાખ કાર નિકાસનો આંક હાંસલ થશેઃ મારુતિ સુઝુકી | મુંબઈ સમાચાર
વેપાર

વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર લાખ કાર નિકાસનો આંક હાંસલ થશેઃ મારુતિ સુઝુકી

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં મારુતિ સુઝુકી લિ. ચાર લાખ યુનિટ વાહનોની નિકાસનો આંક સરળતાથી પાર કરે તેવી શક્યતા કંપનીનાં એક એક્ઝિક્યુટીવે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બે લાખ કરતાં વધુ યનિટની નિકાસ થઈ ચૂકી છે.

નોંધનીય બાબત એ છે કે દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી લિ.નું ગત સપ્ટેમ્બર મહિનામાં કારનું વેચાણ સપ્ટેમ્બર, 2024નાં 27,728 યુનિટ સામે બાવન ટકા વધીને 42,204 યુનિટની સપાટીએ રહ્યું હતું.

આપણ વાંચો: જીએસટીમાં ઘટાડોનો ફાયદોઃ મારુતિએ કારના ભાવ ઘટાડ્યા, જાણો કેટલી સસ્તી થઈ કાર

વધુમાં કંપનીની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં કંપનીની નિકાસ 1.10 લાખ યુનિટની હતી, જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીની નિકાસ 2.07 લાખ યુનિટની સપાટીએ રહી હતી.

આમ વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર લાખ યુનિટની નિકાસની દિશામાં આગળ ધપી રહ્યા છીએ, એમ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.નાં કોર્પોરેટ વિભાગના સિનિયર એક્ઝિક્યુટીવ ઑફિસર રાહુલ ભારતીએ જણાવ્યું હતું.

સામાન્યપણે આપણે ગળાકાપ હરિફાઈની વાતો કરતાં હોઈએ છીએ. હાલ બજારમાં 18 ખેલાડીઓ છે અને અમે અમારા નજીકનાં પ્રતિસ્પર્ધી કરતાં બમણી નિકાસ કરી હોવાનું ભારતીએ ઉમેર્યું હતું. સ્થાનિક સ્તરનાં વેચાણમાં તેમ જ નિકાસમાં પણ અગ્રણી ઑટો ઉત્પાદક કંપની પ્રતિસ્પર્ધીની સરખામણીમાં સરસાઈ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નાણાકીય વર્ષ 2020-21માં કંપનીની કુલ નિકાસ 96,139 યુનિટની સપાટીએ રહી હતી. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ 6086 યુનિટ ઈલેક્ટ્રિક મોડૅલ ઈ-વિટારાની નિકાસ કરી છે, જે મેક ઈન ઈન્ડિયા દિશા તરફની મક્કમ પ્રગતિ છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button