વેપાર

બજારની નજર અંદાજપત્રની અટકળો, કોર્પોરેટ પરિણામ અને પોવેલની ટેસ્ટીમની પર

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

બજાર કોઇ દેખીતા અથવા તો નક્કર કારણ વગર લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યું છે તેને કારણે રોકાણકારો હર્ષિત હોવા સાથે સહેજ ચિંતિત પણ છે. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ની સપાટી ટકાવી રાખવામાં સફળ રહે તો, આગામી સત્રોમાં તે ૨૪,૫૦૦ અને તે પછી ૨૪,૮૦૦ સુધી આગળ વધી શકે છે. બજારનો અંડરટોન મજબૂત છે. પાંચમી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન લગભગ આઠ ટકાના વધારા સાથે બેન્ચમાર્ક ઇન્ડેક્સે સતત પાંચમા સપ્તાહમાં સુધારો નોંધાવ્યો હતો. વિશ્ર્લેષકો અનુસાર માર્કેટનું વલણ એકંદરેે હકારાત્મક રહેશે, જો કે, કોર્પોરેટ પરિણામની સિઝનની શરૂઆત અને યુએસ અને ભારતના ફુગાવાના આંકડા જાહેર થવા સાથે અસ્થિરતા જોવા મળી શકે છે.

આ ઉપરાંત મુખ્ય પરિબળોમાં કેન્દ્રીય બજેટ અને કોર્પોરેટ પરિણામનો સમાવેશ કરી શકાય. કોર્પોરેટ પરિણામ સાથેની મેનેજમેન્ટ કોમેન્ટરીના આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. રોકાણકારો એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ફંડ ફ્લો તેમજ ક્રૂડ ઓઈલના ભાવો પર પણ એકંદર સેન્ટિમેન્ટનું મૂલ્યાંકન કરશે. વૈશ્ર્વિક મોરચે રોકાણકારોની નજર જૂન માટે યુએસ ફુગાવાના ડેટા તેમજ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલની ટેસ્ટીમની પર રહેશે.

નિષ્ણાતો અનુસાર બજેટ સંબંધિત અટકળો વચ્ચે સેક્ટરલક્ષી હિલચાલ અપેક્ષિત છે, જ્યારે બજારના અંડરટોનમાં તેજી જળવાઈ રહી છે, ત્યારે પ્રોફિટ બુકિંગમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. પાછલા સત્રમાં સેન્સેક્સ ૦.૧ ટકા ઘટીને બંધ થયો હતો અને નિફ્ટી ૦.૧ ટકા વધીને બંધ થયો હતો. ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ૫૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં ૧૩૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો. નિષ્ણાતો જણાવે છે કે, પોઝિટિવ અંડરટોન સાથે ઇન્ડેક્સ કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે. વધતી અસ્થિરતાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સ્ટોકની પસંદગી અને પોર્ટફોલિયો વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કોર્પોરેટ પરિણામની મોસમ પાછી આવી છે, કંપનીઓ આ અઠવાડિયે તેમના ત્રિમાસિક ડેટા જાહેર કરશે. ઇન્ફર્મેશન ટેક્નોલોજી જાયન્ટ ટીસીએસ સીઝનની શરૂઆત કરશે અને તેના પ્રથમ ક્વાર્ટરના પરિણામ ૧૧ જુલાઈએ રિલીઝ કરશે અને એચસીેલ ટેક્નોલોજીસ ૧૨ જુલાઈના રોજ તેના પરિણામોની વિગત આપશે. એવન્યુ સુપરમાર્ટ્સ પણ ૧૩ જુલાઈના રોજ નાણાકીય પરિણામ જાહેર કરશેે.
આર્થિક ડેટા પર પણ બજારના હિતધારકોની નજર રહેશે. બજારના સહભાગીઓ ફુગાવાના ડેટા પર નજર રાખશે, જે ૧૨ જુલાઈના રોજ બહાર પાડવામાં આવશે. ભારતનો રીટેલ ફુગાવો મે ૨૦૨૪માં ૪.૭૫ ટકાની ૧૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો. મુખ્ય ફુગાવો પણ થોડો ઓછો થયો, જે મે મહિનામાં ૩.૨થી ઘટીને ૩.૧ ટકા થયો છે. જો કે ખાદ્ય ફુગાવો ૮.૬૯ ટકા પર સ્થિર છે.

ઘરેલું ઉપભોક્તા ફુગાવાના આંકડા ઉપરાંત બેંક લોન અને ડિપોઝિટ લોન વૃદ્ધિ સાથે ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન અને મેન્યુફેકચરિંગ પ્રોડકશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બધા ડેટા ૧૨ જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંક પણ ૧૨ જુલાઈના રોજ વિદેશી વિનિમય અનામતનો ડેટા રિલીઝ કરશે.

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ મંગળવાર, ૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ નિર્ણાયક જુબાની (ટેસ્ટીમની) આપવા માટે તૈયાર છે, ત્યારબાદ ૧૦ જુલાઈના રોજ નોંધપાત્ર સ્પીચ આપશે. રોકાણકારો પોવેલની સ્પીચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે આ ઘટનાઓ જુલાઈ ૧૧ના રોજ યુએસ ફુગાવાના ડેટાના પ્રકાશન સાથે જ બનવાની છે અને તે આ સપ્તાહના માર્કેટ સેન્ટિમેન્ટને આકાર અને વ્યૂહરચનાને દિશા આપશે.

રોકાણકારો ચીનના ફુગાવા અને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જે વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં આર્થિક પરિસ્થિતિઓનો અંદાજ રજૂ કરે છે. વધુમાં, ધ્યાન દક્ષિણ કોરિયાના વ્યાજ દરના નિર્ણય તરફ વળશે, જે પ્રાદેશિક નાણાકીય નીતિને પ્રભાવિત કરશે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની પ્રવૃત્તિ પણ આ અઠવાડિયે મહત્ત્વની રહેશે. પ્રોવિઝનલ ડેટા મુજબ પાછલા સપ્તાહમાં એફઆઇઆઇએ ભારતીય બજારમાંથી રૂ. ૬,૮૭૪.૬૬ કરોડના શેર ખરીદ્યા હતા. યુનિયન બજેટ અને જેપી મોર્ગનના બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ એ કેટલાક એવા પરિબળો છે જેણે સ્થાનિક ઇક્વિટીમાં વિદેશી ફંડોનો રસ મેળવ્યો હતો. બીજી બાજુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ અગાઉના સપ્તાહની સરખામણીએ ઇક્વિટી માર્કેટમાં થોડો નફો ગાંઠે બાંધવાનું કામ કર્યું હતું, કારણ કે આ વર્ગે રૂ. ૩૮૫.૨૯ કરોડની ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

પ્રાઇમરી માર્કેટ વધુ એક ધમાકેદાર સપ્તાહ માટે સુયોજિત છે કારણ કે આ અઠવાડિયે બે કંપનીઓ મેઇન બોર્ડ માર્કેટમાં પદાર્પણ કરશે. એસએમઇ સેગમેન્ટમાં, એક પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે જ્યારે અન્ય ત્રણ તેમના સબ્સ્ક્રિપ્શન્સ બંધ કરશે. આ સપ્તાહમાં, શાર્ક ટેન્ક ફેમ નમિતા થાપરની આગેવાની હેઠળની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર ૧૦ જુલાઈના રોજ તેમના માર્કેટમાં પદાર્પણ કરશે. બંને આઇપીએ રોકાણકારોનો મજબૂત પ્રતિસાદ મેળવ્યો હતો અને તેમની સંબંધિત ઑફરના કદ કરતાં લગભગ ૭૦ ગણા સબ્સ્ક્રાઇબ થયા હતા. વધુમાં, અંબે લેબોરેટરીઝ, ગણેશ ગ્રીન ભારત, અને ઇફ્વા ઇન્ફ્રા એન્ડ રિસર્ચ પણ આ સપ્તાહે તેમનું એસએમઇ લિસ્ટિંગ કરશે.

એકંદરે સમીક્ષા હેટલના પાછલા સપ્તાહે સેન્સેક્સ-૩૦ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ નવી ઊંચાઈએ પહોંચવા સાથે ભારતીય ઈક્વિટી માર્કેટ સેન્ટિમેન્ટ્સ સકારાત્મક રહ્યા હતા. સાપ્તાહિક ધોરણે, બીએસઇ-૩૦ અને નિફ્ટી -૫૦ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સે લાર્જ-કેપ્સે ઇન્ડેક્સ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે. બજારની હકારાત્મક ગતિ વચ્ચે, મોટાભાગના ક્ષેત્રીય સૂચકાંકોએ સપ્તાહ દરમિયાન સકારાત્મક લાભ નોંધાવ્યો હતો. આગામી નાણાકીય ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરની કમાણીની સિઝન થતાં પહેલા પહેલા બીએસઇ આઇટી ઇન્ડેક્સે મજબૂત પ્રદર્શન કર્યું છે. પાછલા એક મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ ધીમે ધીમે ઉપર તરફ જઈ રહ્યા છે, જેના પર નજર રાખવાની જરૂર છે.

આગામી થોડા અઠવાડિયામાં, બજાર માટેની મુખ્ય ઘટનાઓમાં મેક્રો પરિબળો, કેન્દ્રીય બજેટ અને નાણાકીય ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરની કમાણીનો સમાવેશ થાય છે. વ્યક્તિગત શેરો આગામી થોડા અઠવાડિયામાં નાણાકીય ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરની કમાણી અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button