બજેટ સત્રમાં બજાર રેન્જબાઉન્ડ થવાની ધારણાં, વિદેશી ફંડોના વલણ અને અમેરિકાના જીડીપી ડેટા પર નજર

ફોર કાસ્ટ – નિલેશ વાઘેલા
મુંબઈ: વૈશ્ર્વિક અને સ્થાનિક પરિબળો સાનુકૂળ રહેવા સાથે વિદેશી સંસ્થ્કાયી રોકાણકારો પણ ફરી ભારતીય બજાર તરફ વળ્યા હોવાથી એકંદરે શેરબજારનું માનસ પોઝિટિવ રહેવાની અપેક્ષા છે, જોકે આ વખતે બજેટને લગતી અપેક્ષાઓ પણ વ્યાપક હોવાથી અંદાજપત્રની રજૂઆત પહેલા અને રજૂઆત સાથે તથા તે પછી બજારમાં અસ્થિરતા વધવાની ધારણાં છે. હવે એફઆઇઆઇના ડોલરોનું વજન બજારને સ્થિર રાખવામાં કેટલું ઉપયોગી નિવડે છે તે જોવું રહ્યું!
એકંદરે બજાર પોઝિટવિ બાયસ્ડ સાથે રેન્જબાઉન્ડ થવાની ધારણા છે, કેન્દ્રીય બજેટ, કોર્પોરેટ કમાણી અને યુએસ જીડીપી ડેટા પર બજારના ખાસ નદર રહેશે. સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ ૮૫ પોઈન્ટ વધીને ૮૦,૬૦૫ પર હતો અને નિફ્ટી ૫૦ ૨૯ પોઈન્ટ વધીને ૨૪,૫૩૧ પર છે. જો કે, નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકોએ બેન્ચમાર્ક કરતાં અંડરપરફોર્મ કર્યું હતું, જે પ્રોફિટ બુકિંગને કારણે વચ્ચે અનુક્રમે ૨.૨ ટકા અને ૨.૯ ટકા ગબડ્યા હતા.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ અઠવાડિયે કેન્દ્રીય બજેટ પહેલાં રોકાણકારોમાં પાછલા શુક્રવારે સાવચેતીનું માનસ હતુ, જે આગળ પણ રહેશે. કોર્પોરેટ પરિણામની સિઝનમાં પણ તેજી આવશે, જે રોકાણકારોને શેરલક્ષી કામકાજ માટે પ્રેરશે.
વૈશ્ર્વિક મોરચે, બજારના સહભાગીઓ ૨૦૨૪ના જૂન ક્વાર્ટર માટે યુએસ જીડીપી વૃદ્ધિના આગોતરા અંદાજો પર ઝીણવટભરીી નજર રાખશે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન યુએસ અર્થતંત્રમાં ૨૦૨૪ના માર્ચ ક્વાર્ટરમાં ૧.૪ ટકા વૃદ્ધિ નોંધવામાં આવી હતી તેની સરખામણીમાં વધુ સારી વૃદ્ધિ થવાની અપેક્ષા સેવાઇ રહી છે.
આ સિવાય, ૨૦૨૪ના બીજા ક્વાર્ટર માટે મુખ્ય પીસીઇ પ્રાઇસ અને ડ્યુરેબલ ગૂડ્સ ઓર્ડર અને યુએસથી જૂન માટે રીટેલ સેલ્સ ડેટા પર પણ નજર રાખવામાં આવશે. આ તમામ ડેટા ફેડરલ રિઝર્વના નીતિ નિર્ણય માટે મહત્વપૂર્ણ રહેશે. અન્ય ગ્લોબવ ઇકોનોમિક ડેટામાં યુ.એસ., યુરોપ અને જાપાન જેવા અર્થતંત્રોના જુલાઈ માટેના ઉત્પાદન અને સેવાઓના પીએમઆઈ ફ્લેશ ડેટા પર પણ રોકાણકારોની ખાસ નજર રહેશે.
સ્તાનિક ધોરણે જોઇએ તો, બજેટ અને કોર્પોરેટ પરિણામ ઉપરાંત, બજાર જુલાઈ માટે એચએસબીસી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ પીએમઆઈ ફ્લેશ ટેડામાંથી પણ સંકેતો શોધશે, જે ૨૪ જુલાઈએ રિલીઝ થશે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જૂનમાં વધીને ૫૮.૩ થઈ ગયો, જે મે મહિનામાં ૫૭.૫ હતો અને સર્વિસિસ પીએમઆઈ વધીને ૬૦.૫ થઈ સુધી પહોંચ્યો છે. વધુમાં, ૧૨ જુલાઈના રોજ પૂરા થયેલા પખવાડિયા માટે બેંક લોન અને ડિપોઝિટ વૃદ્ધિ અને ૧૯ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામતની જાહેરાત ૨૬ જુલાઈએ કરવામાં આવશે.
સૌની નજર ૨૩મી જુલાઇએ રજૂ થનારા બહુપ્રતીક્ષિત પ્રથમ કેન્દ્રીય બજેટ પર છે. મોટા ભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે સરકાર રાજકોષીય ખાધ, વિકાસ માટેના મૂડીખર્ચ અને લોકકલ્યાણની યોજાનાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું ઉદ્યોગ તરફી બજેટ રજૂ કરવાનો પ્રયાસ કરશે.
આ ઉપરાંત, રોજગાર સર્જન, મેક ઇન ઇન્ડિયા પહેલ, ગ્રીન એનર્જી, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બુસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એ જ સાથે, સ્થાનિક અને વિદેશી રોકાણકારો લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ અંગે સરકારના નિર્ણય પર ધ્યાન આપશે. નિષ્ણાતો માને છે કે, જો બજેટ અપેક્ષાને પૂર્ણ કરનારું હશે, તો તે બજારમાં વધુ સ્થિરતા અને આગેકૂચ જોવા મળશે.
રોકાણકારો ચાલુ કોર્પોરેટ કમાણીની સીઝન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે લગભગ ૩૦૦ કંપનીઓ આ અઠવાડિયે તેમના ત્રિમાસિક પરિણામો સ્કોરકાર્ડ બહાર પાડશે, જેમાં બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, સિપ્લા, ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઈન્ટરગ્લોબ એવિએશન, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, કોફોર્જ, આઈડીબીઆઈ બેંક, સુઝલોન એનર્જી, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટોરેન્ટ ફાર્મા, યુનાઈટેડ સ્પિરિટસ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી, ફેડરલ બેંક, ઈન્દ્રપ્રસ્થ ગંગા. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, અશોક લેલેન્ડ, કેનેરા બેંક, ડીએલએફ અને એમસીએક્સ ઇન્ડિયા પણ ડેટા જાહેર કરશે.
ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી માટે ૨૪,૫૦૦નું સ્તર આ અઠવાડિયે નિર્ણાયક બનવાની ધારણા છે કારણ કે બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ એ દૈનિક અને સાપ્તાહિક ચાર્ટમાં ટોચ પર બેરિશ રિવર્સલ પેટર્ન (બેરિશ એન્ગલ્ફિંગ અને શૂટિંગ સ્ટાર)ની રછના કરી જે રોકાણકારોમાં સાવચેતીનો સંકેત આપે છે. જો ઇન્ડેક્સ નિર્ણાયક રીતે ઉપરોક્ત સ્તરને તોડે છે, તો નિફ્ટી ૫૦ માટે નીચલા સ્તરે ૨૪,૦૦૦ મુખ્ય સપોર્ટ લેવલ છે, જ્યારે ઉચ્ચ બાજુએ, ૨૪,૮૫૦નું સ્તર ઉપરની જેમ રેઝિસ્ટન્સ લેવલ છે. તીવ્ર વેચવાલીના દબાણની હાલ કોિ શક્યતા જોવાતી નથી.
માસિક ઓપ્શન ડેટા દર્શાવે છે કે ઇન્ડેક્સ માટે ૨૪,૭૦૦ની સપાટી તાત્કાલિક પ્રતિકારક સપાટી છે અને ૨૫,૦૦૦ની સપાટી નિર્ણાયક છે, જો કે, બેન્ચમાર્ક માટે ૨૩,૫૦૦નું સ્તર તાત્કાલિક સપોર્ટ છે અને ૨૪,૦૦૦ પોઇન્ટનું સ્તર મુખ્ય સપોર્ટ લેવલ છે.