આ સપ્તાહે બજારની વધઘટનો આધાર આર્થિક ડેટાઓ, કોર્પોરેટ પરિણામો અને એફઆઈઆઈની લે-વેચ પર
મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા આર્થિક ડેટાઓ, સપ્ટેમ્બર અંતના છેલ્લાં તક્ક્કાના શેષ કોર્પોરેટ પરિણામો, વૈશ્ર્વિક બજારનાં વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચ પર સ્થાનિક ઈક્વિટી બજારની વધઘટ અવલંબિત રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આગામી શુક્રવારે સ્થાનિક બજાર ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહેનાર છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આગામી ૧૨મી નવેમ્બરના રોજ ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને આઈઆઈપીના ડેટાની જાહેરાત થનાર છે, જ્યારે વૈશ્ર્વિક સ્તરે આગામી ૧૩મી નવેમ્બરના રોજ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારા અપેક્ષિત રેટકટ અને નીતિ નિર્ધારણ માટે નિર્ણાયક પુરવાર થતાં ફુગાવાની જાહેરાત થનારી છે, જેની બજાર પર વિશેષ અસર જોવા મળશે, એમ સ્વસ્તિક ઈન્વેસ્ટેમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું. આમ સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક ડેટા ઉપરાંત સ્થાનિક સ્તરે છેલ્લા રાઉન્ડમાં જાહેર થનારા બીજા ત્રિમાસિકગાળાના પરિણામો પર બજારનું ફોકસ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વર્તમાન સપ્તાહે ખાસ કરીને બૅન્ક ઑફ ઈન્ડિયા, બીઈએમએલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એપોલો ટાયર્સ અને ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી ફર્સ્ટક્રાયની પેરેન્ટ કંપની બ્રેઈનબીઝ સોલ્યુશન્સ સહિત અન્યનાં પરિણામોની જાહેરાત થનાર છે.
વધુમાં સપ્તાહ દરમિયાન અમેરિકી બૉન્ડની યિલ્ડ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સની વધઘટની ભારત જેવા ઊભરતા દેશોની બજાર પર અસર જોવા મળશે કેમ કે અમેરિકાની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ બન્નેમાં વધારો જોવા મળ્યો છે. આ સિવાય આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચની ભારતીય ઈક્વિટી માર્કેટની વધઘટમાં મુખ્ય ભૂમિકા રહેશે, એમ મીનાએ ઉમેર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધધટ અને ડૉલર સામે રૂપિયાની વધઘટની પણ સપ્તાહ દરમિયાન બજાર પર અસર જોવા મળી શકે છે, એમ માસ્ટર કેપિટલ સર્વિસીસનાં ડિરેક્ટર પલકા અરોરા ચોપ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે સપ્તાહ દરમિયાન ભારતનાં ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ, ઔદ્યોગિક ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ આઉટપૂટ, હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ, અમેરિકાના ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ, કૉર, સીપીઆઈ, બેરોજગારીના દાવાના ડેટા, યુકેના જીડીપી અને ચીનના ઔદ્યોગિક ઉત્પાદન જેવા સ્થાનિક અને વૈશ્ર્વિક ડેટાઓ બજારના ચાલકબળ પુરવાર થશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે ખાસ કરીને આ મહિનામાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૦.૨૯ ટકા અથવા તો ૨૩૭.૮ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૦.૬૪ ટકા અથવા તો ૧૫૬.૧૫ પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હોવાનું જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું.
તાજેતરનાં વૈશ્ર્વિક મિશ્ર પરિબળો અને જાહેર થઈ રહેલા બીજા ત્રિમાસિકગાળાના પરિણામો નિરાશાજનક આવી રહ્યા હોવાથી આગામી સપ્તાહ દરમિયાન પણ બજારનો અન્ડરટોન નરમાઈતરફી રહેવાની શક્યતા મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.નાં રિસર્ચ અને વૅલ્થ મેનેજમેન્ટના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું. જોકે, સપ્તાહ દરમિયાન જાહેર થનારા પરિણામોને ધ્યાનમાં લેતા ચોક્કસ સ્ટોક આધારિત ભાવમાં વધઘટ જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.