ફુગાવાના ડેટા, બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામો અને વિશ્વ બજારનાં વલણ પર સ્થાનિક બજાર પર અસર જોવા મળશે

નવી દિલ્હીઃ આગામી સપ્તાહ દરમિયાન જાહેર થનારા સ્થાનિક રિટેલ અને જથ્થાબંધ ફુગાવાના ડેટા, શેષ કંપનીઓના જાહેર થનારા બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામો અને વૈશ્વિક બજારનાં વલણ અનુસાર સ્થાનિક બજાર પર અસર જોવા મળે એવું વિશ્લેષકોનું માનવું છે. જોકે, આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સ્થાનિક બજારમાં થતી લે-વેચની પણ અસર પડશે.
એકંદરે આ સપ્તાહ મહત્ત્વનું છે કેમ કે સપ્તાહ દરમિયાન ભવિષ્યની નાણાનીતિનો અણસાર આપે તેવા સ્થાનિક રિટેલ અને જથ્થાબંધ ફુગાવાની જેવા મહત્ત્વનાં આર્થિક ડેટાની જાહેરાત થનાર છે. વધુમાં સપ્તાહ દરમિયાન ઓએનજીસી, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ અને ઑઈલ ઈન્ડિયાનાં વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામોની જાહેરાત થનાર છે તેના પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે, એમ રેલિગેર બ્રોકિંગ લિ.ના રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયાની વધઘટ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવની પણ અમુક અંશે બજાર પર અસર જોવા મળશે.
આ પણ વાંચો: વૈશ્વિક સોનામાં વિક્રમ તેજી પશ્ચાત થાક ખાતી તેજી, રોકાણકારોની નજર ફુગાવાના ડેટા પર
વધુમાં ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એન્રીચ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે વર્તમાન સપ્તાહ દરમિયાન જાહેર થનારા સ્થાનિક તેમ જ વૈશ્વિક આર્થિક ડેટા બજારનું મુખ્ય ચાલકબળ પુરવાર થશે. સ્થાનિક સ્તરે ખાસ કરીને ગત ઑક્ટોબર મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પર રોકાણકારોની નજર રહેશે કેમ કે તેના થકી ભવિષ્યમાં રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં કાપ મૂકશે કે નહીં તેના સંકેતો મળતા હોય છે, જ્યારે વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન પર મંડાયેલી રહેશે. કેમ કે શટડાઉનને કારણે મહત્ત્વના સરકારી ડેટાની જાહેરાતો વિલંબ થઈ રહી હોવાથી રોકાણકારો સહિત નીતિઘડવૈયાઓમાં પણ આર્થિક સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું.
તે જ પ્રમાણે જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આગામી સપ્તાહ દરમિયાન જાહેર થનારા સ્થાનિક ફુગાવાના ડેટા, વિદેશી ફંડોનાં આંતર-બાહ્યપ્રવાહ, અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન બાબતના અને અમેરિકાના ભારત તથા ચીન સાથેના ટ્રેડ ડીલ અંગેના અહેવાલોની બજારની વધઘટ પર અસર જોવા મળશે.
નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે પાંચમી નવેમ્બરના રોજ બજાર ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહ્યું હોવાથી કામકાજના સત્ર માત્ર ચાર જ રહ્યા હતા, જેમાં સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.86 ટકાનો અથવા તો 722.43 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 0.89 ટકા અથવા તો 229.8 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.



