કોર્પોરેટ પરિણામ અને ઇન્ફ્લેશન ડેટા પર બજારની નજર: નિફ્ટી માટે ૨૧,૬૫૦નું સપોર્ટ લેવલ મહત્ત્વનું
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં અત્યારે કોઇ નવા ટ્રીગરનો અભાવ જણાઇ રહ્યો છે અને ટૂંકા સમયગાળા માટે બજારમાં અફડાતફડી, કોન્સોલિડેશન અને શેરલક્ષી ચાલ જોવા મળે એવી સંભાવના છે. આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓના નાણાકીય પરિણામ જાહેર થવાના છે અને સોમવારે જ ઇન્ફ્લેશન ડેટાની પણ જાહેરાત થવાની છે. ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નિફ્ટી માટે ૨૧,૬૫૦નું સપોર્ટ લેવલ જાળવી રાખવું મહત્ત્વનું છે, અન્યથા તે ૨૦૦ કે ૨૫૦ પોઇન્ટ નીચે પટકાઇ શકે છે.
ભારતીય ઇક્વિટી બજારો ૧૦ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે અથડાતા નીચા સ્તરે બંધ રહ્યા હતા, કારણ કે અમેરિકાની ફેડરલ રિઝર્વ અને ભારતીય રિઝર્વ બેન્ક, બંને મધ્યસ્થ બેન્કોએ વ્યાજદરમાં ઘટાડાની આશા વપર પાણી ફેરવી દીધાં હતા.
બજારના અભ્યાસુઓ માને છે કે, આગળ જતાં, કોર્પોરેટ ક્ષેત્રના નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક કમાણીના અંતિમ તબક્કામાં, ભારત અને અમેરિકાના જાન્યુઆરી ફુગાવાના આંકડા બજારોને અસ્થિર રાખી શકે છે.
સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં નિફ્ટી ૭૧.૩ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા ઘટીને ૨૧,૭૮૨.૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે બીએસઇ સેન્સેક્સ ૪૯૦.૧૪ અથવા ૦.૬૭ ટકાના ઘટાડા સાથે ૭૧,૫૯૫.૪૯ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો.
એક નોંધપાત્ર બાબતમાં શુક્રવારે વ્યાપક બજારોમાં વેચવાલી હોવા છતાં, નિફ્ટી મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સ સપ્તાહ માટે ૦.૮૫ ટકા વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૦.૦૫ ટકા ઘટ્યો હતો.
ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી માટે, આગામી સપોર્ટ ૨૧,૬૫૦ પોઇન્ટ પર છે અને જો નિફ્ટી આ લેવલ તોડશે તો તે ૨૧,૪૦૦ પોઇન્ટ સુધી નીચી સપાટીએ ધકેલાઇ શકે છે. અપસાઇડના માર્ગે મુખ્ય અવરોધક સપાટી ૨૨,૦૦૦-૨૨,૧૦૦ના સ્તર પર છે.
જ્યારે ઓપ્શન્સ ડેટા દર્શાવે છે કે ૨૨,૦૦૦નું લેવલ નિફ્ટી-૫૦ બેન્ચમાર્ક માટે પોઇઝટીવ ઝોનમાં આગળ વધવા સામે મુખ્ય અવરોધ બનવાની ધારણા છે અને ૨૧,૫૦૦નું લેવલ મુખ્ય સપોર્ટ લેવલ બની શકે છે. આ રેન્જની બંને બાજુએ નિર્ણાયક બ્રેકિંગ બજારની આગળની ચાલ નક્કી કરી શકે છે. ત્યાં સુધી ઇન્ડેક્સ આ શ્રેણીમાં રહેવાની શક્યતા છે.
ફરી સાપ્તાહિક સમીક્ષામાં ડોકિયું કરીે તો સેકટરલ ધોરણે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૫ાંચ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૪.૪ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ લગભગ ચાર ટકા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૩.૯ ટકા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૩.૬ ટકા અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી બેન્ક ૦.૭૩ ટકા ઘટ્યો હતો.
સરકારી સહકાર પર અપેક્ષિત ટ્રેઝરી ગેઈન્સ પાછળ પીએસયુ બેન્કના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે રિઝર્વ બેન્કની પોલિસી મીટ પછી ખાનગી બેન્કિંગ શેરો પ્રવાહિતાની ચિંતા વચ્ચે ગબડ્યાં હતાં. નોંધપાત્ર શેરલક્ષી ચાલમાં, વિદેશી રોકાણકાર બ્રિટિશ અમેરિકન ટોબેકોએ કંપનીમાંથી તેનો અમુક હિસ્સો વેચવાનો ઈરાદો જાહેર કર્યો હોવાને કારણે આઇટીસીમાં છ ટકાનો કડાકો નોંધાયો હતો.
આગામી અઠવાડિયે યુએસ, યુકે અને ભારતીય ફુગાવાના ડેટા જાહેર થાય તે પહેલાં બજારમાં ચાવચેતીનો માહોલ સર્જાયો છે, જ્યારે યુએસ ૧૦ વર્ષની યીલ્ડના વધારાને કારણે સેન્ટિમેન્ટ દબાયેલું રહ્યું છે. આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરશે અને કોર્પોરેટ પરિણામની મોસમનો અંત આવશે.
આ સપ્તાહે પરિણામોની જાહેરાત કરનારા મુખ્ય કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈશર મોટર્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને ફોનિક્સ મિલ્સનો સમાવેશ થાય છે. પરિણામોની જાહેરાત કરતી અન્ય કંપનીઓ અનુપમ રસાયણ, શેરા સેનિટરીવેર, ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ, એડલવાઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ, ખાદિમ ઈન્ડિયા, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, ભારત ઇલેક્ટ્રિકલ્સ, કોફી ડે, બોરોસિલ અને અન્યનો સમાવેશ છે.
મૂડીબજારની વાત કરીએે તો મેઇનબોર્ડ આઇપીઓમાં, એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ ૧૨ ફેબ્રુઆરીએ એક્સચેન્જો પર લિસ્ટ થશે. રાશી પેરિફેરલ્સ, જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ૧૪ ફેબ્રુઆરીએ બુર્સ પર લિસ્ટ થશે. એન્ટેરો હેલ્થકેપ સોલ્યુશન ૧૩મી ફેબ્રુઆરીએ તેનું સબસ્ક્રિપ્શન બંધ કરશે. વિભોર સ્ટીલ ટ્યુબ્સ ૧૫ ફેબ્રુઆરીએ તેનું સબ્સ્ક્રિપ્શન બંધ કરશે. એસએમઇ આઇપીઓમાં, રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ અને એપ સોલર એન્ટરપ્રાઇઝ ૧૨ ફેબ્રુઆરીએ તેનું સબસ્ક્રિપ્શન બંધ કરશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ પાછલા સપ્તાહમાં રૂ. ૫,૮૭૧.૪૫ કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૫,૩૨૫.૭૬ કરોડની ઇક્વિટી ખરીદીને ટેકો પૂરો પાડ્યો હતો. દરમિયાન, મધ્ય પૂર્વમાંથી સપ્લાય અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે સપ્તાહમાં ક્રૂડ ઓઇલલના ભાવ લગભગ છ ટકા જેટલા ઊંચી સપાટીએ સ્થિર થયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો બેરલ દીઠ ૮૨.૧૯ પર સ્થિર થયો હતો.