વેપાર

બજારની દિશાનો આધાર ઇઝરાયલ, એફઆઇઆઇ, ક્રૂડ ઓઇલ અને કોર્પોરેટ પરિણામ પર: નિફ્ટી માટે ૧૯,૫૦૦ નિર્ણાયક સપાટી

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં તેજી અને મંદીવાળા વચ્ચે પાછલા સપ્તાહે ભારે ખેંચતાણ ચાલી રહી હોવાથી સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન જબરી અફડાતફડી જોવા મળી હતી. નિષ્ણાતો માને છે કે, ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, ચીનના જીડીપી ડેટા અને ક્રૂડ તેલના ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તંદુરસ્ત કોર્પોરેટ કમાણીની અપેક્ષાઓ અને આર્થિક ડેટા વચ્ચે સંતુલન સાધી બજાર પોઝિટીવ ટોન સાથે આગળ વધી શકે છે.

નિફ્ટીએ પાછલા સપ્તાહે હેમર પેટર્ન રચ્યા બાદ સમીક્ષા હેઠળના સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે બુલિશ કેન્ડલની રચના કરી છે. ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, તેજીવાળાઓએ નિફ્ટીને ૧૯,૬૦૦ની ઉપર ટકાવી રાખ્યો છે એ સારી વાત છે. જોકે, નિફટી માટે ૧૯,૫૦૦ ટેકાની સપાટી છે. આા સપાટી તૂટશે તો ૧૯,૩૦૦ અને જો કોઇ વિપરિત નકારાત્મક પરિબળ મળી જાય તો ૧૯,૦૦૦ની નીચે પમ ધસી જઇ શકે છે. પોઝિટીવ ઝોનમાં જો બેન્ચમાર્ક ૧૯,૯૦૦ની ઉપર મક્ક્મ બંધ આપે તો તેજી આગળ વધી શકે છે. ઓપ્શન ડેટામાં એવા સંકેત છે કે ૧૯,૫૦૦ મહત્ત્વની સપાટી છે અને ૧૯,૮૦૦-૧૯,૯૦૦ રેઝિસ્ટન્સ છે.

અનેક પ્રતિકૂળ પરિબળો છતાં ૧૩મી ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના કોન્સોલિડેશન વચ્ચે બજાર સ્માર્ટ રીતે ટકી રહ્યું અને પોઝિટીવ ઝોનમાં અડધા ટકા જેટલું આગળ વધ્યું. સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણી માટે સકારાત્મક અપેક્ષા, સીપીઆઇ ફુગાવામાં થયેલા ઘટાડા અને સ્વસ્થ ઔદ્યોગિક ઉત્પાદનને આધારે બજાર યુએસના અપેક્ષા કરતાં ઊંચો ફુગાવો, ભૌગોલિક રાજકીય તણાવ અને આઇટી કંપનીઓના નબળા ગાઇડન્સથી ઊભી થયેલી ચિંતાઓને સરભર કરવામાં સફળ રહ્યું છે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ફેડરલ ચેરમેનની સ્પીચ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ, ચીનના જીડીપી નંબરો અને ક્રૂડ ઓઈલના ભાવો પર ફોકસ રાખીને, આગળ જતાં બજાર તંદુરસ્ત કોર્પોરેટ કમાણીની અપેક્ષાઓ અને આર્થિક ડેટા વચ્ચે પોઝિટીવ ટોન સાથે બજાર વ્યાપકપણે રેન્જબાઉન્ડ રહી શકે છે. પરિણામોની મોસમને કારણે બજારમાં સારી ઉથલપાથલ જોવા મળશે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં નિફ્ટી લગભગ ૧૦૦ પોઈન્ટ વધીને ૧૯,૭૫૧ પર પહોંચ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ ૨૮૭ પોઈન્ટ વધીને ૬૬,૨૮૩ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ પણ અડધા ટકાની આસપાસ વધ્યા હતા. ટેક્નોલોજી અને પીએસયુ બેન્કોને બાદ કરતાં મોટા ભાગના ક્ષેત્રો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જેમાં રિયલ્ટી અને ઓટો અનુક્રમે ચાર ટકા અને ત્રણ ટકાની તેજી સાથે સૌથી વધુ નફો ધરાવતા હતા.

આ સપ્તાહે કોર્પોરેટ પરિણામોની ખાસ સર જોવા મળશે, જેમાં ઓટો, ફાઇનાન્સ અને ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટરની ઊંચી અપેક્ષાઓ છે. આ સપ્તાહમાં કોર્પોરેટ અર્નિંગ સીઝનની જોરદાર અસર રહેશે કારણ કે, નિફ્ટીમાં ૪૦ ટકા વેઇટેજ ધરાવતી કંપનીઓ એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો, ઇન્ડસઇન્ડ બેંક, વિપ્રો, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, નેસ્લે ઇન્ડિયા સહિત તેમના ત્રિમાસિક સ્કોરકાર્ડ જાહેર કરશે. હોલસેલ ઇન્ફલેશન સોમવારે આજે જાહેર થશે અને તેની અસર પણ જોવા મળશે.

કોર્પોરેટ કમાણી ઉપરાંત, બજારના સહભાગીઓ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર પણ નજર રાખશે. આ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલન ભાવમાં ઉછાળો આવી શકે છે. જોકે પુરવઠાને હજુ સુધી અસર થઈ નથી. આ ઉપરાંત, જી-સેવન ઓઇલ પ્રાઇસ કેપના ઉલ્લંઘનને કારણે અમેરિકા દ્વારા રશિયન ક્રૂડની નિકાસ સામે તેના પ્રતિબંધો કાર્યક્રમને કડક બનાવવાના સમાચારે પણ ક્રૂડના ભાવમાં તેજીને વેગ મળ્યો હતો.

નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ક્રૂડના ભાવમાં અસ્થિરતા ચાલુ રહેશે અને અત્યાર સુધી યુદ્ધમાં મધ્ય પૂર્વના અન્ય રાષ્ટ્રો (ખાસ કરીને ઈરાન)ની સીધી સંડોવણીની અપેક્ષા રાખતા નથી. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ, ઓઇલના ભાવ માટેના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક, સપ્તાહ દરમિયાન ૭.૫ ટકા વધીને ૯૦.૮૯ પ્રતિ બેરલ થઈ ગયા હતા, જે ટેક્નિકલ રીતે સાપ્તાહિક સ્કેલ પર બુલિશ પેટર્ન બનાવે છે, જે બુલિશ રિવર્સલ પેટર્ન છે. આથી, બજારના સહભાગીઓ રેલી પર નજર રાખશે, કારણ કે ક્રૂડના ભાવમાં કોઈપણ વધારો ભારત
જેવા આયાતકારો માટે મોટી ચિંતાનો વિષય છે.

બજાર આ ઉપરાંત અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચ પર પણ નજર રાખશે. ૧૯ ઓક્ટોબરના રોજ જેરોમ પોવેલની ટિપ્પણી સહિત આ અઠવાડિયે ફેડરલના ઘણા અધિકારીઓની સ્પીચ પણ એક મહત્વપૂર્ણ પરિબળ હશે, કારણ કે તેઓ હજુ પણ ૨૦૨૩ના અંત સુધીમાં વધુ એક દરમાં વધારાની તરફેણમાં છે, જે ઊંચા દરો સૂચવે છે.
દરમિયાન, ઊંચા સ્તરે પહોંચેલા યુએસ બોન્ડ યીલ્ડ્સે એફઆઇઆઇ પ્રવાહને અસર કરવાનું ચાલુ રાખ્યું કારણ કે તેઓ સતત ત્રીજા મહિને ભારતમાં ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં વેચાણમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ જો ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં વધારો થાય તો વધુ વેચાણની શક્યતા નકારી શકાય નહીં. એફઆઇઆઇએ ગયા અઠવાડિયે રોકડ સેગમેન્ટમાં રૂ. ૨,૨૦૦ કરોડના મૂલ્યના શેરનું વેચાણ કર્યું હતું, જે વર્તમાન મહિનાનો કુલ આઉટફ્લો રૂ. ૧૦,૬૦૦ કરોડ પર લઈ ગયો હતો, જોકે ડીઆઇઆઇ મહિના દરમિયાન લગભગ રૂ. ૮,૪૦૦ કરોડના મૂલ્યના શેરો ખરીદીને મોટા પ્રમાણમાં સરભર કરવામાં સફળ રહ્યા હતા. જો ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વિસ્તરશે અને ક્રૂડમાં વધારો થશે, તો એફઆઇઆઇ વેચવાનું ચાલુ રાખી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button