અફડાતફડી વચ્ચે માર્કેટ કૅપમાં ₹ ૧૪ લા૪ખ કરોડનો ઉમેરો, મિડકૅપ અને સ્મોલ કૅપ શૅરોમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજાર માટે વિતેલું સપ્તાહ અફડાતફડીભર્યું રહ્યું હોવા છતાં કુલ લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં સુધારા સાથે એકંદરે આશાવાદી સંકેત મળ્યા હતા. સમીક્ષા હેઠળના ૧૩ મે, ૨૦૨૪થી ૧૭ મે, ૨૦૨૪ સપ્તાહ દરમિયાન માર્કેટ કેપમાં રૂ. ૧૩.૬૮ લાખ કરોડની વૃદ્ધિ નોંધાઇ છે, જ્યારે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્સમાં આશરે ૪.૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૨,૬૬૪.૪૭ના બંધથી ૧,૨૫૨.૫૬ પોઈન્ટ્સ (૧.૭૨ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૨,૪૭૬.૬૫ ખૂલી એ જ દિવસે નીચામાં ૭૧,૮૬૬.૦૧ અને શુક્રવાર, ૧૭ મે, ૨૦૨૪ ના રોજ ઉપરમાં ૭૪,૦૭૦.૮૪ સુધી જઈ અંતે ૭૩,૯૧૭.૦૩ પર બંધ રહ્યો હતો.
આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ..૪૧૦.૨૪ લાખ કરોડ રહ્યું હતું, જે ૧૦ મે, શુક્રવારના અંતે રૂ. ૩૯૬.૫૬ લાખ કરોડની સપાટીએ હતું. બજારનો એકંદર ટોન મક્કમ રહ્યો હતો.એ ગ્રુપની ૭૧૩ કંપનીઓમાં ૫૮૯ સ્ક્રિપ્સના ભાવ વધ્યા અને ૧૨૨ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ આઈપીઓ ૨.૩૧ ટકા અને એસએમઈ આઈપીઓ ૫.૭૭ ટકા વધ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૨.૧૮ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૨.૬૨ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૨.૮૮ ટકા, બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૪.૪૨ ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪.૮૩ ટકા વધ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર એફએમસીજી ૦.૦૩ ટકા ઘટ્યો હતો.
જ્યારે કેપિટલ ગુડ્સ ૮.૭૦ ટકા, રિયલ્ટી ૬.૯૧ ટકા, પાવર ૬.૩૪ ટકા, મેટલ ૫.૫૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૪.૯૮ ટકા, પીએસયુ ૪.૭૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૧ ટકા, હેલ્થકેર ૨.૧૮ ટકા, ઓટો ૨.૧૨ ટકા, બેન્કેક્સ ૧.૫૭ ટકા, ટેક ૧.૫૨ ટકા અને આઈટી ૧.૪૨ ટકા વધ્યા હતા.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧૨.૮૦ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૫.૯૦ ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૫.૧૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ચાર ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક ૩.૯૨ ટકા આગળ વધ્યો હતો. જ
યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં ટાટા મોટર્સ ૧૦.૬૯ ટકા, નેસ્લે ઈન્ડિયા ૩.૫૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૬૨ ટકા, ટીસીએસ ૧.૬૧ ટકા અને મારૂતિ સુઝુકી ૦.૨૬ ટકા નીચી સપાટીએ ગબડ્યો હતો.
દરમિયાન શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૭૪,૦૦૦ની સપાટી વટાવી ગયો હતો, પરંતુ એક નોંધપાત્ર બાબતમાં સળંગ ૧૯ સેશન બાદ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ ચોખ્ખી વેચવાલી કરી રિટેલ રોકાણકારોને ચોંકાવી દીધાં હતાં. સેન્સેક્સ શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં આગલા ૭૩,૯૧૭.૦૩ના બંધથી ૮૯ પોઈન્ટ્સ (૦.૧૨ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૩,૯૨૧.૪૬ ખૂલી નીચામાં ૭૩,૯૨૦.૬૩ અને ઉપરમાં ૭૪,૧૬૨.૭૬ સુધી જઈને અંતે ૭૪,૦૦૦૬ પર બંધ રહ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૪૬ ટકા જ્યારે એસએમઈ આઈપીઓ ૦.૪૪ ટકા વધ્યા હતા.
આ દિવસ ચૂંટણી અગાઉનો કામકાજનો છેલ્લો દિવસ હતો અને તેમાં બજારનો અંડરટોન અત્યંત મક્ક્મ રહ્યો હતો. સેન્સેક્સની ૨૧ કંપનીઓ વધી હતી જ્યારે ૯ કંપનીઓ ઘટી હતી. આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨.૧૧ લાખ કરોડના ઉછાળા સથે રૂ.૪૧૨.૩૫ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૮ ટકા, બીએસઈ લાર્જકેપ ૦.૨૫ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૪ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૩૭ ટકા, બીએસઈ મિડકેપ ૦.૪૮ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૭ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૨૬ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૯ ટકા, રિયલ્ટી ૦.૬૯ ટકા, પાવર ૦.૬૨ ટકા, હેલ્થકેર ૦.૫૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૫૩ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૪૭ ટકા, યુટિલિટીઝ ૦.૪૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૦ ટકા, એનર્જી ૦.૩૭ ટકા, કોમોડિટીઝ ૦.૩૪ ટકા, એફએમસીજી ૦.૨૯ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૨૫ ટકા, ટેક ૦.૨૪ ટકા, ઓટો ૦.૨૪ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૨૩ ટકા, મેટલ ૦.૨૩ ટકા, આઈટી ૦.૨૦ ટકા, બેન્કેક્સ ૦.૧૧ ટકા અને સર્વીસીસ ૦.૦૮ ટકા વધ્યા હતા.
આ સત્રમાં સેન્સેક્સમાં નેસ્લે ઈન્ડિયા ૨.૩૩ ટકા, પાવર ગ્રીડ ૧.૧૨ ટકા, ટાટા મોટર્સ ૦.૭૬ ટકા, એચસીએલ ટેક ૦.૪૩ ટકા અને ટીસીએસ ૦.૪૨ ટકા વધ્યા હતા. જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૮૦ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૦ ટકા, મારુતિ ૦.૩૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૩૦ ટકા અને રિલાયન્સ ૦.૦૬ ટકા ઘટ્યા હતા. કુલ મળીને ૫૩ કંપનીઓને ઉપલી જ્યારે ૧૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શનિવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ.૧૨.૦૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧૩૭ સોદામાં ૧૫૮ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૩,૧૨,૧૫૨ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) એ શનિવારે રૂ. ૯૨.૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈએ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર) રૂ. ૧૫૨.૮૭ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.