સોનામાં રૂ. ૩૧નો અને ચાંદીમાં રૂ. ૨૩૭નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના સંકેત આપ્યા હોવા છતાં તાજેતરમાં મધ્ય પૂર્વના દેશોમાં ખાસ કરીને ઈઝરાયલ-ઈરાન વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું છે. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે ૦.૮ ટકાનો અને ૦.૨ ટકાનો અને ચાંદીના ભાવમાં એક ટકાનો સુધારો આગળ ધપ્યો હતો.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો ક્વૉટ થવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૭નો ધીમો સુધારો આગળ ધપ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રામનવમીની જાહેર રજા હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ હોવાથી ભાવની જાહેરાત નહોંતી થઈ.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તથા ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩૭ના સુધારા સાથે રૂ. ૮૩,૪૫૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૦૩૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૩૩૩ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૩૭૯.૨૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૩૯૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને ઔંસદીઠ ૨૮.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈરાને કરેલા ઈઝરાયલ પર હુમલા બાબતે પશ્ર્ચિમના દેશોએ ઈઝરાયલને સંયમ રાખવા અરજ કરી હતી, જ્યારે ઈઝરાયલના વડા પ્રધાન નેત્યાનાહુએ પોતાનો બચાવ કેવી રીતે કરવો અંગે તે જાતે નિર્ણય લેશે એમ જણાવ્યું હતું. આમ હાલના તબક્કે મધ્યપૂર્વના દેશોમાં ભારે રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
ફેડરલ રિઝર્વ દ્વારા લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના સંકેત છતાં સોનાને મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએ સ્થિત એશિયા પેસિફિક વિભાગના એનાલિસ્ટ કેલ્વિન વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં પૂલબેક જોવા મળ્યા બાદ સોનામાં કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.