પૉવૅલની ટેસ્ટીમની પૂર્વે વૈશ્વિક સોનામાં ધીમો ઘસરકો
સ્થાનિક સોનામાં રૂ. ૪૨ની અને ચાંદીમાં રૂ. ૫૩૧ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષ ૨૦૨૪ના મધ્યથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ૨૧૪૧.૫૯ની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નરમાઈ જોવા મળી હતી, જ્યારે આજે રોકાણકારોની નજર આવતી કાલના અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘસરકો આવ્યો હતો. જોકે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને અવગણીને ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણને કારણે ભાવમાં કિલોદીઠ રૂ. ૫૩૧ની પીછેહઠ જોવા મળી હતી અને ચાંદીમાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧થી ૪૨નો ઘસરકો જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે .૯૯૯ ટચ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૬૭નો ઉછાળો આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૩૧ના ઘટાડા સાથે રૂ. ૭૧,૭૧૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની લેવાલી પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧ના ઘટાડા સાથે રૂ. ૬૪,૨૯૮ અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨ના ઘટાડા સાથે રૂ. ૬૪,૫૫૬ના મથાળે રહ્યા હતા.
તાજેતરનાં અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવવાની સાથે ફુગાવામાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના મધ્યથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વચ્ચે સોનામાં તેજીનો અન્ડરટોન જોવા મળ્યો છે અને ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૧૪૧.૫૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા.
જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આવતીકાલના વક્તવ્ય પર સ્થિર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૧૨૬.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૧૩૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના નબળા આર્થિક ડેટાને કારણે સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું છે. જોકે, વ્યાજદરમાં કપાત અંગે ફેડરલના અધ્યક્ષ તરફથી વધુ સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સોનાની વધઘટનો આધાર ડૉલર ઈન્ડેક્સની વધઘટ, રાજકીય-ભૌગોલિક તણાવ અને નફારૂપી વેચવાલીના દબાણ પર નિર્ભર રહેશે. જોકે, હાલમાં ૭૧ ટકા ટ્રેડર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂનથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.