મહારાષ્ટ્રની 170 ખાંડ મિલોએ પિલાણ શરૂ કર્યું

સ્મોલ ગ્રેડની ખાંડમાં નરમાઈ, મિડિયમમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે માલની ગુણવત્તા અને માગને ધ્યાનમાં લેતા મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20નો ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. ચારથી છનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમ માટે મહારાષ્ટ્રની 170 ખાંડ મિલોએ શેરડીનું પિલાણ શરૂ કર્યું છે અને 40 ખાંડ મિલો પિલાણ શરૂ કરવા માટેના લાઈસન્સ મળવાની રાહ જોઈ રહી છે. વધુમાં સરકારે વર્તમાન ખાંડ મોસમ માટે જાહેર કરેલા 15 લાખ ટન ખાંડના નિકાસ ક્વૉટાની ફાળવણી કરી છે. જેમાં કુલ 15 લાખ ટનનાં નિકાસ ક્વૉટા પૈકી ઉત્તર પ્રદેશને 40.5 ટકાના હિસ્સા સાથે 6,00,806 ટનની, મહારાષ્ટ્રને 30.33 ટકાના હિસ્સા સાથે 4,54,876 ટનની અને કર્ણાટકને 15.85 ટકાના હિસ્સા સાથે 2,37,732 ટનની ફાળવણી કરી છે.
આ સિવાય અન્ય રાજ્યોમાં બિહારને 34,744 ટન (2.32 ટકા), ગુજરાતને 33,634 ટન (2.24 ટકા), હરિયાણાને 29,344 ટન (1.96 ટકા), પંજાબને 24,529 ટન (1.64 ટકા), તમિળનાડુને 23,957 ટન (1.60 ટકા), ઉત્તરાખંડને 19,467 ટન (1.30 ટકા), મધ્ય પ્રદેશને 18,018 ટન (1.20 ટકા), આંધ્ર પ્રદેશને 7685 ટન (0.51 ટકા), તેલંગણાને 7134 ટન (0.48 ટકા), છત્તીસગઢને 4941 ટન (0.33 ટકા) અને ઓરિસ્સા તથા રાજસ્થાનને 1853 ટન (0.12 ટકા)ની ફાળવણી કરી છે.
દરમિયાન આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં નિરસ માગ તેમ જ અમુક માલની ગુણવત્તા નબળી રહેતાં તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 3896થી 3962માં અને મિડિયમ ગ્રેડની ખાંડમાં માગને ટેકે વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચાર અને ઉપલા મથાળેથી રૂ. છના સુધારા સાથે રૂ. 3966થી 4082માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. 3820થી 3860માં અને રૂ. 3850થી 3900માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



