લૉ ગ્રેડ આયર્ન ઑરની નિકાસ પર જકાતઃ ઉદ્યોગનો વિરોધ

નવી દિલ્હીઃ આગામી ઑક્ટોબર મહિનાથી સરકાર લૉ ગ્રેડનાં આયર્ન ઑર (હલકી ગુણવત્તાનાં આયર્ન ઑર) પર 30 ટકા નિકાસ જકાત લાદવાની યોજના ધરાવી રહી છે, ત્યારે ઔદ્યોગિક સંગઠન ઉત્કલ ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી લિ. (યુસીસીઆઈએલ)એ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો લૉ ગ્રેડ આયર્ન ઑર પર નિકાસ જકાત લાદવામાં આવશે તો સ્થાનિકમાં ઉત્પાદન ઘટશે, સ્થાનિકમાં ભાવ પર માઠી અસર પડશે, લાંબાગાળાની ઉત્પાદન ક્ષમતા ઘટશે અને સાથે સાથે નિકાસમાં ભારત સ્પર્ધાત્મકતા પણ ગુમાવશે.
ચેમ્બરે એક યાદીમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત નિકાસ જકાતને કારણે આ ક્ષેત્રમાં અસ્થિરતા સર્જાતા ઉત્પાદનમાં ઘટાડો થશે, સ્થાનિકમાં ભાવ ગબડશે, નિકાસમાં ભારત સ્પર્ધાત્મકતા ગુમાવશે અને લાંબાગાળાની ઉત્પાદન ક્ષમતા પર પણ માઠી અસર પડશે. આ સિવાય તેની માઠી અસર રોજગાર ક્ષેત્ર પર પડવા ઉપરાંત પ્રાદેશિક સ્તરે અર્થતંત્ર ખરોવાઈ જવાની તેમ જ ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટવાની શક્યતા પ્રબળ બનશે. આથી અમે ઓરિસ્સા સરકારને આ સંદર્ભે થતી કેન્દ્ર સાથેની ચર્ચામાં રાજ્યના આયર્ન ઑર ખનન ઉદ્યોગનાં હિત જાળવવા માટે અનુરોધ કર્યો છે.
આ પ્રકારનાં પગલાં ક્ષેત્રનાં વિનાશને નોતરશે અને ખનન પર અવંબિત એવાં રાજ્યોને રૂ. 16,200 કરોડ જેટલું નુકસાન થવાની સાથે ખનન સાથે સંકળાયેલા અંદાજે પાંચ રાજ્યોના લોકોની રોજીરોટી પર અસર થશે, એમ યાદીમાં જણાવતાં ઉમેર્યુ છે કે પ્રસ્તાવિત નિકાસ જકાતથી આયર્ન ઑર ખનન ક્ષેત્રમાં અસ્થિરતા સર્જાતા ઉત્પાદનમાં ઘટાડો થશે, સ્થાનિકમાં ભાવ તૂટશે, નિકાસ સ્પર્ધાત્મકતા અને રોજગારી પર પણ અસર પડવાથી પ્રાદેશિક અર્થતંત્રો પણ માઠી અસરમાંથી બાકાત નહીં રહે.
ચેમ્બરના મતાનુસાર ગત નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં આયર્ન ઑરનું ઉત્પાદન અંદાજે 27.783 ટન થયું છે. તેમ જ દેશમાં આયર્ન ઑરનાં કુલ ઉત્પાદનમાં ઓરિસ્સાનો હિસ્સો પંચાવન ટકા જેટલો બહોળો હોય છે અને મુખ્ય ઉત્પાદકોમાં એનએમડીસી લિ., ઓરિસ્સા માઈનિંગ કોર્પોરેશન, ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલનો સમાવેશ થાય છે.
ઓરિસ્સાનાં મુખ્ય પ્રધાન મોહન ચરણ માજીને પાઠવેલા પત્રમાં ચેમ્બરે આ નિકાસ જકાતનાં પ્રસ્તાવનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ પગલાંથી માત્ર રાજ્યની આવકને જ માઠી અસર નહીં થાય પરંતુ ખનન પ્રક્રિયા પણ બિનપોસાણક્ષમ બનશે આ ક્ષેત્રમાં સંકળાયેલા રોજગારો પણ માઠી અસરમાંથી બાકાત નહીં રહે.