સોનાની ઊંચી આયાત જકાત બચાવવાની છટકબારી, ચાર સપ્તાહમાં પ્લેટિનમની આયાત વર્ષ ૨૦૨૩ કરતાં પણ વધી
મુંબઈ: સોના પરની ઊંચી આયાતજકાતને ટાળવા માટે ગત જૂન મહિનાના મધ્યથી જુલાઈનાં મધ્ય સુધીનાં ચાર સપ્તાહમાં દેશમાં પ્લેટીનમની આયાત વર્ષ ૨૦૨૩ની કુલ આયાત કરતાં પણ વધી ગઈ હોવાનું સરકાર અને ઉદ્યોગનાં અધિકારીઓએ રૉઈટર્સને એક અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે બુલિયન ડીલરોએ ઊંચી જકાત ટાળવા માટે પ્લેટિનમ તરીકે લગભગ ૯૦ ટકા સોનું ધરાવતા એલોયને રજિસ્ટર્ડ કરીને આ છટકબારીનો લાભ લીધો છે. વર્ષ ૨૦૨૩માં કુલ ૯.૯૭ મેટ્રિક ટન પ્લેટિનમની આયાત થઈ હતી, તેની સામે છેલ્લા ચાર સપ્તાહમાં જ દેશમાં અંદાજે એક બિલિયન ડૉલરની કિંમતના પ્લેટિનમનું ક્લિયરન્સ કર્યું હોવાનું એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે રોઈટર્સને જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે સરકારી નિયમ અનુસાર બે ટકા કે તેથી વધુ વજન ધરાવતા એલોયને પ્લેટિનમનાં એલોય તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે અને ગત વર્ષ ૨૦૨૨માં ભારત અને યુએઈ વચ્ચે થયેલા કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ અનુસાર ગત પહેલી એપ્રિલથી ડીલરોએ પ્લેટિનમની આયાત સામે માત્ર પાંચ ટકા જ ડ્યૂટી ભરવી પડે છે, જ્યારે સોનાની આયાત સામે ૧૫ ટકા ડ્યૂટી ભરવી પડે છે, એમ ઑલ ઈન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મીથ ફેડરેશનનાં રાષ્ટ્રીય સચિવ નીતિન કેડિયાએ જણાવતા ઉમેર્યું હતું કે બુલિયન ડીલરો પ્લેટિનમ હોવાનો દાવો કરી ૧૦ ટકા ઓછી આયાતજકાત ચૂકવતા હોવાથી રિફાઈન્ડ સોનાનું વેચાણ કરતી વખતે તેઓ બે ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી શકે છે. આમ જેઓ કાયદેસર રીતે સોનાની આયાત કરે છે તેઓએ ૧૫ ટકા ડ્યૂટી ચુકવવી પડે છે અને સ્પર્ધાત્મકતા પણ ગુમાવી
રહ્યા છે.
ચીન પશ્ર્ચાત્ ભારત બીજા ક્રમાંકનો સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે અને સ્થાનિક માગ સંતોષવા માટે આયાતનિર્ભર પણ છે. આ ઉપરાંત ભારત પ્લેટિનમમાં પણ વિશ્ર્વાનાં ટોચનાં પાંચ ગ્રાહકમાં સમાવેશ થાય છે. તાજેતરમાં પ્લેટિનમની આયાતમાં થયેલા વધારાને કારણે સરકારે વેરાની આવક ગુમાવી છે અને આયાતકારો ઓછી આયાત ચુકવીને તેનું ડિસ્કાઉન્ટમાં વેચાણ કરીને સ્થાનિક બજારનો માહોલ પણ બગાડી રહ્યા છે. ગત સોમવારે દેશમાં સોનાના ભાવ અધિકૃત ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૩૪ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર થઈ રહ્યા હતા, જે પખવાડિયા પૂર્વે નવ ડૉલર ડિસ્કાઉન્ટમાં હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્લેટિનમના ભાવમાં સોનાની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો હતો ત્યારે સરકારે આ નિયમ પ્રસ્થાપિત કર્યો હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવતા ઉમેર્યું હતું કે હવે પ્લેટિનમના ભાવ ડિસ્કાઉન્ટમાં પ્રવર્તી રહ્યા છે અને ડ્યૂટી પણ ઓછી હોવાથી કરાર અંતર્ગતની વ્યાખ્યામાં ફેરફાર કરવો જરૂરી છે. કરાર હેઠળ મૂલ્યવર્ધિત ઉત્પાદનો ઓછી આયાતજકાતને પાત્ર હતા. જોકે, દુબઈમાં વેપારીઓ માત્ર પ્લેટિનમ અને તાંબાની થોડી માત્રા ગોલ્ડ બારમાં ભેળવે છે અને ભારતમાં નિકાસ કરતી વખતે તેને મૂલ્યવર્ધન તરીકે રજૂ કરે છે, એમ અન્ય એક બુલિયન ડીલરે જણાવ્યું હતું.