સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૨૯ ઘટીને ₹ ૭૩,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૧૨૯૯ તૂટી

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ હળવો થવાના સંકેતે વૈશ્ર્વિક સોનામાં બે ટકાનો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે આંતરરાષ્ટ્રીય સ્તરે તહેરાને ઈઝરાયલનાં ડ્રોન હુમલાને નકારી કાઢતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ હળવી થતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ નબળી પડતાં સત્રના આરંભે હાજરમાં ભાવ બે ટકા અને વાયદામાં ભાવ ૨.૪ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ચાર ટકાનું ગાબડું પડ્યું હોવાના અહેવાલ હતા.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસા જેટલો સુધારો જોવા મળતાં સોનાની આયાત પડતરો ઘટવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૭થી ૫૨૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૯૯નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૯૯ના ઘટાડા સાથે રૂ. ૮૧,૫૫૪ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજારનાં નરમાઈતરફી અહેવાલ, સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી અને ડૉલર સામે રૂપિયામાં મજબૂત વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૭ ઘટીને રૂ. ૭૨,૫૮૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨૯ ઘટીને રૂ. ૭૨,૮૭૫ના મથાળે રહ્યા હતા.
એકંદરે આજે મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ હળવો થતાં સોનામાં સલામતી માટેની માગ ખસી જતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. વધુમાં હવે રોકાણકારોની નજર સપ્તાહના અંત આસપાસ જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે બે ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૫૪.૬૧ ડૉલર અને વાયદામાં ભાવ ૨.૪ ટકા ઘટીને ૨૩૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ચાર ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૨૭.૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સોનાના ભાવ ઊંચી સપાટીએ હોય તેમ જણાય છે. તેમ જ રોકાણકારો જોખમી અસ્ક્યામતો તરફ વળ્યા હોવાથી આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું હોવાનું ઓએએનડીએનાં એશિયાપેસિફિક વિસ્તારનાં એનાલિસ્ટ કેલ્વિન વૉંગે જણાવ્યું હતું.