ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં બરાબર દિવાળીને ટાંકણે રોકાણકારો માટે મોકાણના સમાચારો આવી રહ્યાં છે, એક તરફ ચાઇનીઝ ફેટકરને કારણે વિદેશી ફંડો એકધારી વેચવાલી કરીને બજારને તોડી રહ્યાં છે તો બીજીતરફ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી ઘમાસાણ યુદ્ધના વાવડ બજારના સેન્ટિમેન્ટને તોડી રહ્યાં છે. આ યુદ્ધમાં અમેરિકા અને રશિયા જેવા સુપર પાવર જોડાતા વિશ્ર્વ યુદ્ધની પરિસ્થિતિ સર્જાવાના પણ ભણકારા સંભળાઇ રહ્યાં છે. ટૂંકમાં શેરબજારે સંવત ૨૦૮૧માં અનેક પડકારો પાર કરવા પડશે, વિશ્ર્વયુદ્ધના ભણકારા વચ્ચે સેન્ટિમેન્ટમાં સાવચેતી રહેશે.
શેરબજારને હાલ અને તાત્કાલિક ધોરણે અસર કરનારા પરિબળો જોઇએ તો તેમાંં અમેરિકામાં ચૂંટણી, ચીનમાં આર્થિક સુધારા, તહેવાર દરમિયાન વ્યવસાયિક પ્રવૃતિ, યુએસ બોન્ડ યીલ્ડની કામગીરી, ક્રૂડ ઓઈલના ભાવની વધઘટ અને એફઆઇઆઇના વલણનો સમાવેશ કરી શકાય.
આ પરિબળો ભારતીય ઇક્વિટી બજારોમાં અસ્થિરતા પેદા કરે તેવી સંભાવના છે, જે આ ઘટનાઓના આધારે બંને દિશામાં પ્રતિક્રિયા આપી શકે છે. નજીકના ગાળામાં નવી ઘટનાક્રમોને ધ્યાનમાં લેતા, અમૂક મૂડી ફાળવણી ચીન તરફ વળી શકે છે. જો કે, બજારના સાધનો એવો વિશ્ર્વાસ વ્યકત કરી રહ્યાં છે કે તેમને ભારતીય ઇક્વિટી માર્કેટની લાંબા ગાળાની વૃદ્ધિમાં વિશ્ર્વાસ છે. અલબત્ત, વર્તમાન ઊંચા વેલ્યુએશન પર વધુ વૃદ્ધિ માટે મર્યાદિત અવકાશ છે. કોર્પોરેટ ક્ષેત્રની કંગાળ કામગીરી બજારના માનસને વધુ ખરડી રહી છે.
દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ સાથે નવું વિક્રમ સંવત ૨૦૮૧ની પહેલી નવેમ્બરથી શરૂઆત થશે. વૈશ્ર્વિક ધોરણે રેટ કટ સાયકલ વચ્ચે આ નવી સીઝનની શરૂઆત થશે. યુએસ ફેડ રિઝર્વે તેની ૨૪ સપ્ટેમ્બરની મીટિંગ દરમિયાન વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો છે અને ૨૦૨૪માં જ વધુ બે રેટ કટના સંકેત આપ્યા છે. આ ઉપરાંત ૨૦૨૫માં ચાર વખત રેટ કટની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આરબીઆઈ એ પણ તેની તાજેતરની મીટિંગમાં તમામ વ્યાજદર સ્થિર રાખ્યા છે, જે દર્શાવે છે કે આગામી છથી નવ મહિનામાં રેટ કટની અપેક્ષા રાખવામાં આવી શકે છે.
સંવત ૨૦૮૧ માટે, અમે ફુગાવાના વલણ અને વ્યાપક વૃદ્ધિ ગતિશીલતાને આધારે આરબીઆઈ દ્વારા એકાદ બે વખત રેટ કટની અપેક્ષા રાખી શકાય. કૃષિ પ્રવૃત્તિઓમાં સુધારા અને ગ્રામીણ વપરાશ માટેના સકારાત્મક દૃષ્ટિકોણને કારણે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૭.૨ ટકા જાળવી રાખ્યો છે.
વધુમાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની મોસમ દરમિયાન વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં ચાર ટકા વધારે હતો અને સમગ્ર દેશમાં જળાશયમાં પાણીનું સ્તર ગયા વર્ષ કરતાં વધુ છે. આ સાનુકૂળ પરિસ્થિતિથી ગ્રામીણ અર્થતંત્રને ફાયદો થવાની અપેક્ષા છે. આ વર્ષે મજબૂત રવિ પાકની શક્યતાઓ વધશે.
જોકે, વિદેશી ફંડોની વેચવાલીને બ્રેક લાગવી આવશ્યક છે. પાછલા સપ્તાહે એફઆઇઆઇની સતત વેચવાલી સાથે કોર્પોરેટ જાયન્ટ કંપનીઓના નફાના ધબડકા વચ્ચે સેન્સેક્સ ૮૦,૦૦૦ની નીચે ઘુસી ગયો છે. સપ્તાહના અંતિમ સત્રમાંએક તબક્કે બીએસઈના માર્કેટ કેપિટલમાં અંદાજે રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું અને નિફ્ટી પણ ૨૪,૧૦૦ની નીચે સરકી ગયો હતો.
બજારના સાધનો અનુસાર શેરબજારને ગબડવા માટે અનેક કારણ એકત્રિત અને મોજૂદ છે. આ કારણોમાં કોર્પોરેટ ક્ષેત્રની બીજા ક્વાર્ટરની નબળી કમાણી અને એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત યુએસ બોન્ડની ઊંચી ઉપજ અને મજબૂત ડોલર, યુએસ ચૂંટણી પહેલાની સાવચેતીનું માનસ અને આક્રમક રેટ કટની સંભાવનાઓ ધૂંધળી થઈ જવાની સંભાવનાનો સમાવેશ છે. હવે તેમાં ઇરાન અને ઇઝરાયલના યુદ્ધમાં વધુ તીવ્રતાની સંભાવના ઉનેરી શકાય.
બજારના સાધનો અનુસાર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)ની લેવાલીને કારણે બજારમાં મોટો કડાકો ટળી રહ્યો છે, પરંતુ વિદેશી ફંડોની વેચવાલીને કારણે સેન્ટિમેન્ટ પર ખરાબ અસર જોવા મળી છે.
એનએસડીએલના ડેટા અનુસાર એફઆઇઆઇએ ઓક્ટોબર અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડથી વધુ શેરો ભારતીય બજારમાં ઠાલવ્યા છે.