વેપાર

શૅરબજાર માટે પાછલું સપ્તાહ ખૂબ ઊથલપાથલ ભર્યું અને રોકાણકારો માટે ભારે નુકસાનકારક

મુંબઇ: શેરબજાર માટે પાછલુ સપ્તાહ ખૂબ ઊથલપાથલભર્યું અને રોકાણકારો માટે નુકસાનકારક રહ્યું હતું. માર્કેટ કેપિટલ અથવા રોકાણકારોની સંપત્તિમાં જબરું ધોવાણ નોંધાયું છે. સમીક્ષા હેઠળના ૦૬ મે, ૨૦૨૪થી ૧૦ મે, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહમાં વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે બજારનું માનસ ખોરવાયું હતું. એફઆઈઆઈની કુલ રૂ. ૨૧,૯૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી અને માર્કેટ કેપમાં રૂ. ૯.૬૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૩,૮૭૮.૧૫ના બંધથી ૧,૨૧૩.૬૮ પોઈન્ટ્સ (૧.૬૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૪,૧૯૬.૬૬ ખૂલી એ જ દિવસે ઊંચામાં ૭૪,૩૫૯.૬૯ અને ગુરૂવાર નવમી મે, ૨૦૨૪ના રોજ નીચામાં ૭૨,૩૩૪.૧૮ સુધી જઈ અંતે ૭૨,૬૬૪.૪૭ પર બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૩૯૬.૫૬ લાખ કરોડ રહ્યું હતું, જે ત્રીજી મે, શુક્રવારના અંતે રૂ.૪૦૬.૨૪ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૮૩ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૨.૦૪ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૨.૨૫ ટકા, બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૩.૨૭ ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩.૮૦ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ૩.૫૨ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૨૪ ટકા ઘટ્યા હતા. કાર્બોનેક્સ ૧.૮૨ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૦.૭૩ ટકા ઘટ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં એફએમસીજી ૧.૨૯ ટકા, ઓટો ૧.૨૫ ટકા અને ટેક ૦.૩૪ ટકા વધ્યા હતા જ્યારે પીએસયુ ૪.૮૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૪.૭૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૪.૫૦ ટકા, રિયલ્ટી ૩.૧૧ ટકા, પાવર ૨.૯૩ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૬૦ ટકા, હેલ્થકેર ૨.૪૬ ટકા, બેન્કેક્સ ૨.૨૭ ટકા, આઈટી ૦.૫૯ ટકા અને મેટલ ૦.૩૨ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર ૬.૦૧ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૫.૧૧ ટકા, ટાટા મોટર્સ ૩.૧૬ ટકા, નેસ્લે ઈન્ડિયા ૩.૦૫ ટકા અને ભારતી એરટેલ ૧.૯૬ ટકા ઊછળ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં ટાઈટન ૭.૪૨ ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૬.૯૬ ટકા, એચડીએફસી બેન્ક ૫.૬૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૫.૫૮ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૧૯ ટકા ગબડ્યો હતો.

સપ્તાહ દરમિયાન એ ગ્રુપની ૭૧૩ કંપનીઓમાં ૧૩૪ સ્ક્રિપ્સના ભાવ વધ્યા હતો અને ૫૭૯ સ્ક્રિપ્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બી ગ્રુપની ૧,૧૩૨ કંપનીઓમાં ૧૭૧ સ્ક્રિપ્સના ભાવ વધ્યા હતો અને ૯૬૦ સ્ક્રિપ્સના ભાવ નીચી સપાટીએ ગબડ્યા હતા, માત્ર એક સ્ક્રિપનો ભાવ સ્થિર રહ્યો હતો.

કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સપ્તાહ દરમિયાન કુલ રૂ. ૧,૧૫૧.૧૩ કરોડનું કુલ કામકાજ નોંધાયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ. ૩૫૩.૪૬ કરોડનું ટર્નઓવર ગુરૂવાર, ૦૯ મે, ૨૦૨૪ના રોજ નોંધાયું હતું.

આ સપ્તાહ દરમિયાન સોમવારથી શુક્રવાર એમ તમામ સેશનમાં એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)એ ચોખ્ખું વેચાણ કર્યુ હતું. એફઆઈઆઈએ સપ્તાહ દરમિયાન કુલ મળીને રૂ. ૨૧,૮૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈએ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર) રૂ. ૧૫,૩૪૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button