લાર્જ અને મિડ કેપ ફંડ્સ એસેટમાં વૃદ્ધિ સાથે ફુગવા સામે રક્ષણ માટે ઉપયુક્ત
મુંબઇ: શેરબજારના નિષ્ણાતો માને છે કે તેજી હદ વટાવી ચૂકી છે અને કરેકશન ગમે ત્યારે આવી શકે છે. આ ઉપરાંત એવું જોવા મળ્યું છે કે મિડકેપ અને સ્મોલ કેપમાં જોખમ ખૂબ વધી ગયું છે જ્યારે લાર્જ કેપમાં વેલ્યુએશન્સ સારા છે. આ પરિસ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઇએ, એ એક સવાલ છે.
રોકાણકારો જ્યારે સંપત્તિ બનાવવાના હેતુસર લાંબા ગાળા માટે રોકામ કરે, ત્યારે માત્ર બચત પર જ નહીં પરંતુ ઉદ્દેશ પર પણ ધ્યાન આપવું હિતાવહ છે. આજે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઉપરાંત રોકાણકારો પાસે રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. ઇક્વિટીની વાત કરીએ તો લાર્જ અને મિડ-કેપ ફંડ્સ એેવી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે જે કુલ ભંડોળના ઓછામાં ઓછા ૩૫ ટકાનું રોકાણ લાર્જ અને મિડકેપ કંપનીઓના શેરોમાં કરે છે.
લાર્જ કેપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુ અનેે મિડકેપમાં રૂ. ૫૦૦૦થી ૨૦,૦૦૦ કરોડનું એમકેપ હોય છે. આ ફંડ્સ પ્રોફેશનલ ફંડ મેનેજર્સ દ્વારા સંચાલિત છે જેઓ બજારને સતત ટ્રેક કરે છે અને સૌથી વધુ શક્ય વળતર મેળવવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે વેપાર કરે છે, એમ જણાવતાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર મયંક શાહ કહે છે કે, રોકાણકાર તરીકેનું પ્રાથમિક લક્ષ્ય, એછામાં ઓછા જોખમ સાથે મહત્તમ શક્ય વળતર મેળવવાનો હોવું જોઈએ.
સારા ટ્રેક રેકોર્ડ સાથે સારી રીતે સંચાલિત લાર્જ અને મિડકેપ ફંડમાં રોકાણ આ લક્ષ્ય પાર પડી શકે છે. વધુમાં, આવા ભંડોળમાં લાંબા ગાળાનું રોકાણ સંપત્તિમાં વૃદ્ધિ સાથે વધતા ફુગાવા સામે પણ રક્ષણ આપે છે. એ જ સાથે બજાર અને અર્થતંત્રના વિકાસમાં સહભાગી થવાનો લાભ પણ મળે છે.
એકમાત્ર ચેતવણી એ છે કે ઓછામાં ઓછા પાંચ વર્ષથી વધુ સમયમર્યાદા સાથે આ કેટેગરીમાં રોકાણ કરવું જોઈએ.