ટ્રમ્પના ટૅરિફ લાગુ થતાં સલામતી માટેની માગ વધતાં 3400 ડૉલર તરફ ધસમસતુ વૈશ્વિક સોનું | મુંબઈ સમાચાર

ટ્રમ્પના ટૅરિફ લાગુ થતાં સલામતી માટેની માગ વધતાં 3400 ડૉલર તરફ ધસમસતુ વૈશ્વિક સોનું

સ્થાનિક સોનામાં રૂ. 452નો અને ચાંદીમાં રૂ. 1020નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં ઊંચા ટૅરિફનો અમલ શરૂ થવાની સાથે જ વેપારો પર અસર થવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ વ્યાપક રહેતાં હાજર ભાવમાં 0.4 ટકાનો અને વાયદામાં 0.6 ટકાનો ઉછાળો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં 0.6 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા અને ભાવ આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી તરફ ધસમસી રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 450થી 452નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1020નો ઉછાળો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ વેરારહિત ભાવ રૂ. 450ની તેજી સાથે રૂ. 1,00,500ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 452ની તેજી સાથે રૂ. 1,00,904ના મથાળે રહ્યા હતા. જોકે, એકતરફી તેજીના વાતાવરણમાં સ્થાનિક સ્તરે માત્ર રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી રહી છે, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગમાં સોંપો પડી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે વેરારહિત ભાવ કિલોદીઠ રૂ. 1020ની તેજી સાથે રૂ. 1,14,505ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 3383.49 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 3453.30 ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ 0.6 ટકા વધીને પુનઃ 38 ડૉલરની સપાટી પાર કરીને 38.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

મેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ઊંચા ટૅરિફની ધમકીઓ સાથે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં વધારો થઈ રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં ટ્રમ્પની ટૅરિફની ધમકીઓને કારણે રોકાણકારો જોખમી અસ્ક્યામતોથી દૂર થઈ રહ્યા છે અને સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ તરફ વળી રહ્યા છે.

અમેરિકામાં થતી આયાત સામે ઊંચી ટૅરિફ લાદીને વૈશ્વિક પુરવઠા ચેઈનને માઠી અસર પહોંચાડ્યા વિના, ઊંચા ફુગાવા અને વેપારી ભાગીદારોની આકરી પ્રતિક્રિયાને ગણકાર્યા વિના વેપાર ખાધ ઘટાડવાના ટ્રમ્પનાં આ વ્યૂહને પગલે ડઝનબંધ વેપારી ભાગીદાર દેશોથી થતી આયાત સામે 10થી 50 ટકા જેટલાં ઊંચા ટૅરિફના દર આજથી લાગુ થઈ રહ્યા હોવાથી તેમના આ વ્યૂહની કસોટી થનાર છે. વધુમાં તેમણે અમેરકામાં આયાત થતાં સેમિક્નડક્ટર પર 100 ટકા ટૅરિફ લાદશે, સિવાય કે કંપનીઓ તેનું અમેરિકામાં ઉત્પાદન કરે અથવા તો ઉત્પાદનની બાંયધરી આપે, એમ તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે.

વધુમાં ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ દ્વરા રેટ કટની શક્યતાઓ પ્રબળ બની હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર પણ હવે બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 93 ટકા ધારણા મૂકી રહ્યા છે. તેમ જ મિનિયાપોલિસ ફેડનાં પ્રમુખ નીલ કશ્કરીએ પણ ટૅરિફનો અમલ થતાં અમેરિકી અર્થતંત્ર મંદ પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આગામી ટૂંકા સમયગાળામાં વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય લે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો…NSDLના IPOને લઈ રોકાણકારોએ બતાવ્યો ગજબનો ઉત્સાહ, હવે સૌની નજર લિસ્ટિંગ પર

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button