સોનામાં રૂ. 87નો ઘસરકો, ચાંદી વધુ રૂ. 1060 ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વર્તમાન કૅલૅન્ડર વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકાના જીડીપીમાં વૃદ્ધિ બજારની અપેક્ષા કરતાં સારી જોવા મળી હોવાના નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ રેટ કટનું પ્રમાણ ઓછું રાખે તેવી શક્યતા સપાટી પર આવતા આજે લંડન ખાતે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 87નો ઘસરકો આવ્યો હતો. જોકે, વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ વધુ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1060ના ચમકારા સાથે રૂ. 1.38 લાખની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારરહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1060ના ચમકારા સાથે રૂ. 1,38,100ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 87ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,12,808 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,13,262ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના જીડીપીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 3748.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 3778.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા ઘટીને 45.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
અમેરીકાના અર્થતંત્રના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ દ્વારા શેષ વર્ષ 2025માં રેટ કટ કરે તેવી શક્યતામાં 18 ટકા જેટલો ઘટાડો થઈ જતાં આજે સોનાના ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હોવાનું નેમો મનીનાં વિશ્લેષક હૅન ટૅને જણાવતાં ઉમેર્યું હતું કે હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા જે અગાઉ અનુક્રમે 91 ટકા અને 76 ટકા દર્શાવાઈ રહી હતી તેની સામે હવે 88 ટકા અને 62 ટકા દર્શાવાઈ રહી છે.
હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરનાં ડેટા પર સ્થિર થઈ છે. જોકે, રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં માસાનુમાસ ધોરણે ફુગાવામાં 0.3 ટકાનો અને વર્ષાનુવર્ષ ધોરણે 2.7 ટકાની વૃદ્ધિ જોવા મળે તેવી ધારણા મૂકવામાં આવી છે.
આ પણ વાંચો…સોના-ચાંદીમાં સામસામા રાહઃ વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 2951 ઉછળી, સોનામાં રૂ. 235ની પીછેહઠ