વૈશ્વિક સોનાચાંદીમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક છતાં સ્થાનિક સોનામાં રૂ. 456નો અને ચાંદીમાં રૂ. 1001નો ઘટાડો | મુંબઈ સમાચાર
વેપાર

વૈશ્વિક સોનાચાંદીમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક છતાં સ્થાનિક સોનામાં રૂ. 456નો અને ચાંદીમાં રૂ. 1001નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકામાં ગત જૂન મહિનાના ફુગાવામાં વધારો થયો હોવાના નિર્દેશો સાથે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 454થી 456નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1001નો ઘટાડો આવ્યો હતો. એકંદરે આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી ખાસ કરીને સોનાની આયાત પડતરો વધવાથી વૈશ્વિક ભાવની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1001ના ઘટાડા સાથે રૂ. 1,10,996ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલી નિરસ રહી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 454 ઘટીને રૂ. 97,070 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 456 ઘટીને રૂ. 97,460ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે અમેરિકાના જૂન મહિનાના ફુગાવાની જાહેરાત પશ્ચાત્‌‍ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો અને ટ્રેઝરીની યિલ્ડમાં પણ પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 3339.88 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 3346.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 37.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલમાં ઘણાં દેશોની અમેરિકા સાથે ટૅરિફના મુદ્દે ડીલ કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે તેમ છતાં બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ હોવાથી ઘણાં રોકાણકારો સોના અને ચાંદીમાં સલામત રોકાણ જોઈ રહ્યા હોવાથી સોનામાં મક્કમ વલણ જોવા મળી રહ્યું હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલનાં મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત શનિવારે અમેરિકી ટ્રમ્પે જો ટ્રેડ ડીલ ન થઈ તો મેક્સિકો અને યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે પહેલી ઑગસ્ટથી 30 ટકા ટૅરિફ લાદવાની ધમકી આપી હતી.

ગત જૂન મહિનામાં અમેરિકામાં ફુગાવો વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હોવાથી ટૅરિફની અસરો ફલિત થતી હોવાનું જણાતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર સુધી વ્યાજદરમાં કપાતથી દૂર રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ગ્રાહક ભાવ નીચા છે અને ફેડરલ રિઝર્વે વ્યાજદર નીચે લાવવા જોઈએ. હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું એક સપ્તાહની નીચી સપાટીએ

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button