વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 160નો સુધારો, ચાંદી રૂ. 176 નરમ | મુંબઈ સમાચાર
વેપાર

વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 160નો સુધારો, ચાંદી રૂ. 176 નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ફેડરલ રિઝર્વનાં રેટકટના આશાવાદ સાથે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી દર્શાવીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનામાં ધીમો સુધારો આગળ વધ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 159થી 160નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ વધુ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 176 ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેવાની સાથે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી રહી હતી. તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 176ના ઘટાડા સાથે રૂ. 1,24,594ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ નફારૂપી વેચવાલી ઉપરાંત જૂના સોનામાં વેચવાલીના દબાણ સામે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 159 વધીને રૂ. 1,09,196 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 160 વધીને રૂ. 1,09,635ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભ હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 3655.77 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 3694.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.8 ટકા વધીને આૈંસદીઠ 41.20 ડૉલર આસપાસ રહ્યાના અહેવાલ હતા. એકંદરે સોનામાં પ્રબળ રોકાણલક્ષી માગને ધ્યાનમાં લેતા એએનઝેડ જૂથે આ વર્ષનાં અંત સુધીમાં ભાવ વધીને આૈંસદીઠ 3800 ડૉલર અને આગામી વર્ષે જૂન સુધીમાં ભાવ વધીને આૈંસદીઠ 4000 ડૉલર સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો હોવાના અહેવાલ હતા.

એકંદરે હાલના તબક્કે એક કરતાં ઘણાં કારણોસર સોનામાં તેજીનો અન્ડરટોન જણાઈ રહ્યો છે, જેમાં મુખ્ય કારણ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવાના આશાવાદનો સમાવેશ થતો હોવાનું કેપિટલ ડૉટકૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે અમેરિકાના જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા ઉપરાંત આવતીકાલે જાહેર થનારા ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે. તેમાં પણ ખાસ કરીને જો ફુગાવાના અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળે તો આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. જોકે, ટેક્નિકલ દૃષ્ટિએ જોતા હાલ વૈશ્વિક સોનું ઓવરબોટ પોઝિઝનમાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત માર્ચ સુધીના બાર મહિનાના સમયગાળામાં અમેરિકામાં રોજગારીનું સર્જન 9,11,000 જેટલું થોડું જ થયું હોવાનું અમેરિકી સરકારે જણાવ્યું હતું. તેમ જ ત્યાર બાદ પણ ટ્રમ્પની આક્રમક ટૅરિફ નીતિને કારણે રોજગાર ક્ષેત્ર પર વધુ માઠી અસર પડી છે. ગત સપ્તાહે જાહેર થયેલા રોજગારીના ડેટાએ શ્રમ બજાર નબળી પડી રહી હોવાનો નિર્દેશ આપ્યો હતો. આથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 100 ટકા અને 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી છ ટકા શક્યતા સીએમઈ ફેડર વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત કૅલૅન્ડર વર્ષ 2024માં સોનાના વૈશ્વિક ભાવમાં 27 ટકાનો વધારો થયો હતો, જ્યારે વર્તમાન વર્ષ 2025માં અત્યાર સુધીમાં 38 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આ પણ વાંચો…વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1438ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 357નો સુધારો

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button