ગુજરાતમાં ખરીફ મગફળીનું ઉત્પાદન 46.07 લાખ ટન થવાનો અંદાજ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દેશમાં તેલીબિયાનાં મુખ્ય પાક ગણાતા મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને છેલ્લાં 16 વર્ષથી દેશનાં અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનની ગ્રાઉન્ડનટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પાકનું કદ તથા ગુણવત્તા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમ જ વર્તમાન વર્ષ 2025-26ની ખરીફ મોસમ માટે કાઉન્સિલે 46.07 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે.
એસોસિયેશનની કાઉન્સિલે ગત વર્ષ 2024-25ની ખરીફ મોસ માટે આરંભિક તબક્કે ગુજરાતમાં 42.2 લાખ ટન મગફળીના ઉત્પાદનનો આરંભિક અંદાજ મૂક્યો હતો, પરંતુ ત્યાર બાદ ખેતરોમાં પાકની સ્થિતિ, પાકની પરિપકવતા વગેરેની આકારણી કર્યા બાદ ઉત્પાદનનો અંદાજ 10 ટકા વધારીને 46 લાખ ટનનો મૂક્યો હતો, જ્યારે વર્તમાન ખરીફ મોસમ માટે ગુજરાતમાં 46.07 લાખ ટનનાં ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
એસોસિયેશનની કાઉન્સિલનાં કૉ ચેરમેન વિનોદ પટેલ, ડૉ. બી. વી મહેતા અને રાજેશ અંકોલા સહિતનાં 20 સભ્યોની ટીમે ગત 9થી 11 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લાઓના મગફળીના ઉત્પાદક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વૈજ્ઞાનિક મેટ્રિક્સ અમલી કરીને, રાજ્ય સરકારે નોંધેલા વિસ્તાર તથા મગફળીની પ્રતિ હેક્ટર ઊપજ મેળવીને ઉત્પાદનના અંદાજ મેળવવામાં આવ્યા હોવાનું એસોસિયેશને યાદીમાં જણાવ્યું છે.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતના અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગિર સોમનાથ, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તથા અન્ય જિલ્લાઓ મળીને કુલ 22.02 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને હેક્ટરદીઠ 2092.02 કિલની ઊપજ સાથે ઉત્પાદન 46.07 લાખ ટન આસપાસની સપાટીએ રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ગોંડલ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ 2 કિમી વાહનોની લાઈન લાગી