અત્યાર સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધીને 438.28 લાખ હેક્ટર | મુંબઈ સમાચાર
વેપાર

અત્યાર સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધીને 438.28 લાખ હેક્ટર

તેલીબિયાં, કપાસ અને જ્યૂટનો વાવેતર વિસ્તાર ઘટ્યો

નવી દિલ્હીઃ ગત જૂન મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખરીફ વાવેતરની મોસમમાં ગત પાંચમી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 1078.49 લાખ હેક્ટર સામે વધીને 1105.42 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

કૃષિ વિભાગની આંકડાકીય માહિતી અનુસાર મુખ્ય ખરીફ પાક ગણાતા ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 418.66 લાખ હેક્ટર સામે વધીને 438.28 લાખ હેક્ટર રહ્યો છે.

જોકે, અત્યાર સુધીમાં થયેલા વાવેતરમાં કઠોળ, જાડા અથવા તો કડ ધાન્ય અને શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે, જ્યારે તેલીબિયાં, કપાસ તથા જ્યૂટ અને મેસ્ટાના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.

આપણ વાંચો: ગુજરાતમાં ખરીફ વાવેતરે વેગ પકડ્યો: 82 ટકાથી વધુ વિસ્તારમાં વાવણી પૂર્ણ…

વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલા કઠોળના કુલ 116.40 લાખ (114.46 લાખ) હેક્ટર વાવેતર પૈકી તુવેરનો વાવેતર વિસ્તાર ઘટીને 45.19 લાખ (45.71 લાખ) હેક્ટર, કળથીનું વાવેતર વધીને 38000 (31,000) હેક્ટરમાં, અડદનું વાવેતર વધીને 23.35 લાખ (21.33 લાખ) હેક્ટરમાં, મગનું વાવેતર વધીને 34.22 લાખ (34.09 લાખ) હેક્ટરમાં, મઠનું વાવેતર વધીને 9.19 લાખ (9.12 લાખ) હેક્ટરમાં, અને અન્ય કઠોળનું વાવેતર વધીને 4.08 લાખ (3.89 લાખ) હેક્ટરમાં થયું છે.
કડધાન્ય અથવા તો જાડા ધાન્ય અથવા તો શ્રી અન્નનો સમીક્ષા હેઠળના સમયગાળામાં વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 179.62 લાખ હેક્ટર સામે વધીને 191.71 લાખ હેક્ટર રહ્યો છે.

જેમાં જુવારનું વાવેતર 14.05 લાખ હેક્ટરમાં, બાજરાનું વાવેતર 67.89 લાખ હેક્ટરમાં, રાગીનું વાવેતર 9.84 લાખ હેક્ટરમાં, મકાઈનું વાવેતર 94.62 લાખ હેક્ટરમાં અને નાની બાજરીનું વાવેતર 5.31 લાખ હેક્ટરમાં થયું છે.

આપણ વાંચો: રાજ્યમાં ૫૦ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ, મગફળીનું સૌથી વાવેતર

જોકે, સમીક્ષા હેઠળના સમયગાળામાં તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 192.21 લાખ હેક્ટર સામે ઘટીને 186.98 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે.

જેમાં મગફળીનો વાવેતર વિસ્તાર 47.53 લાખ હેક્ટર, તલનું વાવેતર 10.14 લાખ હેક્ટરમાં, સૂર્યમુખીનું વાવેતર 64,000 હેક્ટરમાં, સોયાબીનનું વાવેતર 120.32 લાખ હેક્ટરમાં, ખુરસાણીનું વાવેતર 66,000 હેક્ટરમાં, એરંડાનું વાવેતર 7.64 લાખ હેક્ટરમાં અને અન્ય તેલીબિયાંનું વાવેતર 6000 હેક્ટરમાં થયું છે.

આ સિવાય શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 55.68 લાખ હેક્ટર સામે વધીને 57.31 લાખ હેક્ટર, જ્યૂટ અને મેસ્ટાનો વાવેતર વિસ્તાર ઘટીને 5.56 લાખ હેક્ટર (5.74 લાખ હેક્ટર) અને કપાસનો વાવેતર વિસ્તાર ઘટીને 109.17 લાખ હેક્ટર (112.13 લાખ હેક્ટર) રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button