ખરીફ કપાસની મોસમમાં ટેકાના ભાવના ધોરણોનું પાલન કરવા કેન્દ્રનો રાજ્યોને અનુરોધ

નવી દિલ્હીઃ તાજેતરમાં વર્તમાન ખરીફ કપાસ મોસમ 2025-26ની સમીક્ષા અંગે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયે કપાસના તમામ ઉત્પાદક રાજ્યોને લઘુતમ ટેકાના ભાવથી પ્રાપ્તિમાં ધારાધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો છે.
ટેક્સ્ટાઈલ મંત્રાલયનાં સચિવ નિલમ શમી રાવના વડપણ હેઠળ આ લઘુતમ ટેકાના ભાવથી થનારી કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કપાસ ઉત્પાદક રાજ્યોનાં અને કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ખરીફ પ્રાપ્તિ મોસમ ગત પહેલી ઑક્ટોબરથી શરૂ થઈ છે.
આ પણ વાંચો: કપાસના ઉત્પાદનમાં 7 ટકાના ઘટાડાના અંદાજથી બજારમાં ચિંતા, કિંમતોમાં પડશે અસર?
દેશનાં લાખો ખેડૂતો માટે કપાસનું ક્ષેત્ર મહત્ત્વનું હોવાથી ટેક્સ્ટાઈલ મંત્રાલય અખંડિત પ્રાપ્તિ પ્રક્રિયા, સમયસર ચુકવણી અને ડિજિટલાઈઝેશનનો સમાવેશ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહ રચનાનું સંચાલન કરી રહ્યું છે. આ બેઠકમાં પ્રાપ્તિ પ્રક્રિયાની સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી હતી અને રાજ્યોને કાર્યકારી ધોરણો સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર દેશનાં 11 કપાસ ઉત્પાદક રાજ્યોમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 550 કપાસના પ્રાપ્તિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જેથી ખેડૂતોને મુશ્કેલી ન થાય. ગત પહેલી ઑક્ટોબરથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવાં ઉત્તરનાં ઝોનથી શરૂઆત થઈ છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સા જેવાં સેન્ટ્રલ ઝોનમાંથી 15મી ઑક્ટોબરથી અને તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુ જેવાં દક્ષિણના ઝોનમાંથી 21 ઑક્ટોબરથી પ્રાપ્તિનો આરંભ થશે, એમ યાદીમાં ઉમેર્યું હતું.