વેપાર

નિફ્ટીએ ૨૫,૦૦૦ તરફ વધવા ૨૪,૭૦૦નું સ્તર વટાવવું અનિવાર્ય

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું સપ્તાહ ભલે અફડાતફડી વાળું રહયું પરંતુ અંતિમ સત્રમાં સેન્સેક્સે ૧૩૩૦ની જાયન્ટ છલાંગ મારીને એક તરફ રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં અને બીજી તરફ એવી ધરપત આપી કે પિકચર અભી બાકી હે. જોકે, એક વાત નકારી શકાય એમ નથી કે વેલ્.ુએશન્સ હજું ઊંચા જ છે અને ફેડરલ રિઝર્વના નિર્ણય અગાઉ વિદેશી ફંડોના જીવ પણ ઊંચા જ છે.
સપ્તાહ દરમિયાન બીએસઇ સેન્સેક્સ ૦.૯૨ ટકા વધીને ૮૦,૪૩૭ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૫૦ ૦.૭૧ ટકા વધીને ૨૪,૫૪૧ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૮૪ ટકા અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૧૪ ટકા વધ્યો હતો.

વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટની નજર આ સપ્તાહે જેકસન હોલ સિમ્પોઝિયમમાં આયોજિત ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચ પર મંડાયેલી રહેશે. જોવાનું એ રહે છે કે તેઓ સપ્ટેમ્બર કટ માટે કેવા સંકેત આપે છે. સ્થાનિક ધોરણે તેજીના અંડર કરન્ટ સાથે કોન્સોલિડેશનના સંકેત મળી રહ્યાં છે. એફઓએમસીની મિનિટ્સ અને વૈશ્ર્વિક બજારોના વલણની પણ અસર જોવા મળશે.

સમીત્રા હેઠળના ૧૬ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બજારના સેન્ટિમેન્ટ પુન:જીવિત થયું હતું કારણ કે શુક્રવારે સ્માર્ટ બાઉન્સ બેકને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સોએ બે સપ્તાહની પીછેહઠના સિલસિલાને બ્રેક મારી હતી. વિવિધ ડેટાને આધારે અમેરિકામાં મંદીની ચિંતાઓ હળવી થવા સાથેના અન્ય સકારાત્મક ગ્લોબલ સંકેતો, સપ્ટેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની આશામાં વધારો અને જાપાનીઝ યેનમાં સ્થિરતા જેવા પરિબળોએ સેન્ટિમેન્ટમાં સુધારો લાવવાનું કામ કર્યું હતું.

નિષ્ણાતોના મતે, આ સપ્તાહમાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મિનિટ્સ, જેક્સન હોલમાં ફેડરલ ચેરમેનની સ્પીચ અને ગ્લોબલ ટ્રેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરીને, બજાર હકારાત્મક પૂર્વગ્રહ સાથે થોડું કોન્સોલિટેડ થઇ શકે છે.

જાણીતી સ્ટોક બ્રોકર ફર્મના રિટેલ રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે બધાની નજર યુએસ ફેડની મીટિંગની મિનિટસ પર રહેશે. બજાર માટે પ્રાથમિક નજીકના ગાળાનું જોખમ, અનિશ્ર્ચિત ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ છે. સ્ટોક ટ્રેડર્સ અને રોકાણકારોે સંસ્થાકીય પ્રવાહ અને ક્રૂડ ઓઈલના ભાવની હિલચાલ પર પણ નજીકથી નજર રાખશે.

બધાની નજર ૨૩ ઓગસ્ટના રોજ ફેડરલ રિઝર્વની કેન્સાસ સિટી શાખા દ્વારા આયોજિત ત્રણ દિવસીય જેક્સન હોલ ઇકોનોમિક સિમ્પોસિયમમાં યુએસ ફેડ ચેર જેરોમ પોવેલ દ્વારા એફઓએમસી મિનિટસ અને ભાષણ પર રહેશે. ફેડરલના નાણાકીય નીતિના દૃષ્ટિકોણ અને યુએસ આર્થિક વૃદ્ધિના અપડેટેડ આકારણી વિશે જાણવા માટે સભા પોવેલના ભાષણને ઉત્સુકતાથી જોશે. વધુમાં, આ ઇવેન્ટ સપ્ટેમ્બરની પોલિસી મીટિંગની આગળ થઈ રહી છે, જ્યાં ફેડરલ દ્વારા રેટ કટ સાયકલ શરૂ કરવાની વ્યાપક અપેક્ષા છે. મોટાભાગના નિષ્ણાતો સપ્ટેમ્બરમાં ફેડરલ વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો ભાખી રહ્યા છે, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ ઘટી રહેલા ફુગાવા અને લેબર માર્કેટમાં નબળાઈના સંકેતોને જોતા ૫૦ બેસિસ પોઇન્ટની શક્યતા પણ જુએ છે.

પ્રાઈમરી માર્કેટના મોરચે આ અઠવાડિયે દલાલ સ્ટ્રીટમાં કુલ સાત આઈપીઓ આવશે જેમાં ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સનો રૂ. ૬૦૦-કરોડનો આઇપીઓ ૧૯ ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૧ ઓગસ્ટે ઓરિએન્ટ ટેક્નોલોજીસનો રૂ. ૨૧૫ કરોડનો પ્રથમ જાહેર ઈશ્યુ ખુલશે. સરસ્વતી સાડી ડેપોના શેર ૨૦ ઓગસ્ટે બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટિંગ મેળવશે.

એચડીએફસી સિક્યોરિટીઝે નવું બીએએએસ સોલ્યુશન લોન્ચ કર્યું છે, જે બેન્કો, સહકારી બેન્કો અને એનબીએફસીઝને તેમના ગ્રાહકોને ટ્રેડિંગ સવલત આપી શકે એવું પ્લેટફોર્મ પૂરૂં પાડશે. એચડીએફસી સિક્યોરિટીઝ દ્વારા આ બ્રોકરેજ એઝ અ સર્વિસ (બીએએએસ) ફાઇનાન્શિયલ એન્ટીટી અને ફિનટેક કંપનીઓ માટે તેમની સર્વિસ ઓફરિંગને વિસ્તારવા અને વધારાના આવકના પ્રવાહો ઉત્પન્ન કરવા માટે બહુમુખી માધ્યમ પૂરી પાડશે.

ભારે અફડાતફડીમાંથી પસાર થયેલા સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક શેરોમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે સપ્તાહમાં કુલ લિસ્ટેડ શેરના માર્કેટ કેપિટલમાં રૂ.૧.૩૮ લાખ કરોડનો વધારો નોંધાયો છે.

સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૯,૭૦૫.૯૧ના બંધથી ૭૩૦.૯૩ પોઈન્ટ્સ (૦.૯૨ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૯,૩૩૦.૧૨ ખૂલી મંગળવારે નીચામાં ૭૮,૮૮૯.૩૮ સુધી અને શુક્રવારે ઉપરમાં ૮૦,૫૧૮.૨૧ સુધી જઈ ૮૦,૪૩૬.૮૪ બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૫૧.૫૯ લાખ કરોડ રહ્યું હતું, જે ૯ ઓગસ્ટના શુક્રવારના અંતે રૂ.૪૫૦.૨૧ લાખ કરોડ હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૫ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૬૬ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૦.૫૭ ટકા, બીએસઈ મિડકેપ ૦.૪૩ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૪૫ ટકા વધ્યા હતા. આઈપીઓ ૦.૭૧ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૧૯ ટકા વધ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button