ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામઃ વૈશ્વિક સોનું 1.4 ટકા તૂટ્યું
રૂપિયામાં મજબૂતાઈ અને વિશ્વ બજાર પાછળ શુદ્ધ સોનાએ રૂ. 2060ના ગાબડા સાથે રૂ. 99,000ની સપાટી ગુમાવી, ચાંદી રૂ. 1165 તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવાની સાથે સતત બાર દિવસ ચાલેલા ઈઝરાયલ-ઈરાન વચ્ચેનાં યુદ્ધનો અંત આવતા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારો, ડૉલર ઈન્ડકક્સમાં પીછેહઠ અને ક્રૂડતેલના ભાવ નીચે આવ્યા હતા. તેમ જ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 1.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યાના અહેવાલો ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 69 પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતરો ઘટી આવતા ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2052થી 2060નું ગાબડું પડ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1165 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2052 તૂટીને રૂ. 96,898 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2060 તૂટીને રૂ. 97,288ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે ચાંદીમાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1165ના ઘટાડા સાથે રૂ. 1,05,898ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાની યુદ્ધવિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો
આજે લંડન ખાતે સત્રના આરંભે ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામના અહેવાલ સાથે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 3319.84 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.7 ટકા ઘટીને 3335.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 35.96 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો ભૂરાજકીય તણાવ હળવો થતાં આજે જોખમી પરિબળ ઓછું થવાથી સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું ટેસ્ટીલિવના ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પિવેકે જણાવ્યું હતું.
આજે સવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈઝરાયલ અને ઈરાન બન્ને યુદ્ધ વિરામ માટે સહમત થયા છે અને બન્નેને યુદ્ધ વિરામનો ભંગ ન કરવા જણાવવામાં આવ્યું છે. તેમ જ ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ પણ જણાવ્યું હતું કે ઈઝરાયલને ટ્રમ્પના સિઝફાયર અથવા તો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મંજૂર છે.
આ પણ વાંચો: ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનામાં નરમાઈ, સ્થાનિક સોનામાં રૂ. 193નો
હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે અમેરિકાનાં હાઉસ ફાઈનાન્સિયલ સર્વિસ કમિટી સમક્ષનાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, અગાઉની નીતિવિષયક બેઠકના અંતે તેમણે નાણાનીતિ હળવી કરવામાં સાવચેતીનો અભિગમ અપનાવવાના સંકેત આપ્યા હોવા છતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં ઓછામાં ઓછો બેથી ત્રણ ટકા સુધીનો ઘટાડો કરવાનો આગ્રહ રાખી રહ્યા હોવાથી રોકાણકારોની નજર પૉવૅલનાં વક્તવ્ય પર મંડાયેલી છે.