ઈઝરાયલનાં ઈરાન પર હુમલાના અહેવાલે વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગે તેજી આગળ ધપી
સ્થાનિક સોનામાં રૂ. ૧૧૯નો સુધારો, ચાંદીમાં રૂ. ૨૧૪નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલે ઈરાન પર વળતો હુમલો કર્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં વધારો થતાં હાજર ભાવમાં ૦.૪ ટકાનો અને વાયદામાં ૦.૨ ટકાની તેજી આગળ ધપી હોવાનાં અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૮થી ૧૧૯ની તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને અવગણીને સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૧૪નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોથી વિપરીત સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી ઉપરાંત ઊંચી સપાટીએથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૪ ઘટીને રૂ. ૮૩,૧૧૩ના મથાળે રહ્યા હતા. જ્યારે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૮ વધીને રૂ. ૭૩,૩૦૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૧૯ વધીને રૂ. ૭૩,૫૯૬ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં સોનામાં ફૂંકાયેલા એકતરફી તેજીના પવનને કારણે રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખી રહે છે. તેમ છતાં છેલ્લાં કેટલાક સમયથી જૂના સોનામાં રિસાઈકલિંગ અને નફારૂપી વેચવાલીનું પણ દબાણ જોવા મળી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે મધ્યપૂર્વનાં દેશોમાં વધેલા તણાવને ધ્યાનમાં લેતાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજી આગળ ધપતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૮૮.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ સાથે જ વૈશ્ર્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે સતત પાંચમાં સપ્તાહમાં સુધારો જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં આજે સોનાના વાયદામાં પણ ભાવ ૦.૨ ટકા વધીને ૨૪૩૧.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હોવાના અહેવાલો સાથે સોનામાં તેજી આગળ ધપી હતી, બજાર વર્તુળો હજુ વધુ અહેવાલોની રાહ જોઈ રહ્યા હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યાલે રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ સોનામાં ફેડરલની પૉલિસીનાં અણસારો પર નહીં, પરંતુ રાજકીય-ભૌગોલિક તણાવ અંગેનાં અહેવાલો પર વેપાર થઈ રહ્યા છે. વધુમાં ટેસ્ટીલિવનાં ગ્લોબલ માઈક્રો વિભાગનાં હેડ સ્પિવેકે જણાવ્યું હતું કે તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ વધવાની સાથે ચીન તેની સોનાની અનામતમાં વધારો કરી રહ્યું હોવાથી તેજીને ટેકો મળી રહ્યો છે.