વેપાર

રોકાણકારો માલામાલ: ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકાનું વળતર

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ : સવંત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં થઇ ગયા છે, રોકાણકારોએ પાછલા હિંન્દુ વર્ષમાં ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકા સુધીનું વળતર મેળવ્યું છે. ખાસ કરીને શેરબજારના પ્રાથમિક મૂડી બજારમાં રોકાણકારોને એટલી જબરદસ્ત કમાણી થઇ છે કે તેની ટકાવારી પણ માંડી શકાય એમ નથી.

આગામી સંવતની વાત કરીએ તો શેરબજારમાં આગળ અનિશ્ર્ચિતતા દેખાઇ રહી છે, તો બિટકોઇન, ક્રૂડ અને સોનાચાંદીમાં તેજી માટે કારણો મળી રહે એવો અવકાશ જણઆઇ રહ્યો છે. જોકે આ માટેના તમામ પરિબળો અંગે વ્યાપક અને મોટી અનિશ્ર્ચિતતા હોવાથી કશો ચોક્કસ તાગ મેળવી શકાય એવું લાગતું નથી.

નવી સંવતમાં જોકે, શું થશે એની ચિંતા છે. અલબત્ત વર્ષના અંતિમ મહિનામાં વિદેશી ફંડ્સ દ્વારા મજબૂત વેચાણ જોવા મળ્યું હતું, જને કારણે પ્રત્યેક અગ્રણી ઇન્ડેક્સમાં લગભગ છ ટકા જેટલો કડાકો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકામણકારોએ એક લાખ કરોડ રૂપિયાથી મોટી વિક્રમી વેચવાલી નોંધાવીને બજારનું મોરલ તોડી નાંખ્યું હતું અને નિફ્ટીએ પાછલા પાંચ વર્ષની સૌથી ખરાબ કામગારી નોંધાવી હતી. આવનારા દિવસોમાં અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેકશનના પરિણામ, ચાઇનાની નવી સ્ટિમ્યુલસ સ્ટ્રેટેજી અને ખાસ તો ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધની ગતિવિધીની ક્રૂડ, સોના અને શેર એમ તમામ એસેટ ક્લાસ પર ગંભીર અસર જોવા મળશે.

આગામી સંવત માટે કેટલાક સકારાત્મક પરિબળોની વાત કરતા પહેલા આપણે પાછલી સંવત પર એક નજર ફેરવી લઇએ. ૨૦૮૦ની સંવતે રોકાણકારોને ભરપૂર વળતર આપ્યું છે. પાછલી દિવાળીથી આ દિવાળી દરમિયાનના વાર્ષિક સમયગાળામાં રોકાણકારોે નિફ્ટીમાં ૨૫ ટકા, સોનામાંં ૩૩ ટકા, ચાંદીમાં ૩૭ ટકા અને બિટકોઇનમાં ૭૨ ટકા વળતર મેળવ્યું છે.

શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીએ મુહૂર્ત ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજીના ટોન સાથે કરી છે. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે અને નિફ્ટી ૯૪.૨૦ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૪,૨૯૯.૫૦ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે.

સંવત વર્ષ ૨૦૮૦ની શરૂઆત ૧૨ નવેમ્બરે થઇ હતી, ત્યારથી ગણતરી કરીએ તો ભારતમાં રોકાણકારોની સંપત્તિ અંદાજે રૂ. ૧૨૮ લાખ કરોડ (વર્તમાન વિનિમય દરે આશરે ૧.૫ ટ્રિલિયન) વધીને રૂ. ૪૫૩ લાખ કરોડ થઈ છે. આનાથી સંવત ૨૦૮૦નું વર્ષ શેરબજારના ઇતિહાસરનું સૌથી વધું સંપત્તિ સર્જનારૂ વર્ષ
બન્યું છે.

ગુરુવારે સમાપ્ત થયેલા સંવત વર્ષ ૨૦૮૦ દરમિયાન, બીએસઇ સેન્સેક્સ ૧૪,૪૮૪.૩૮ પોઈન્ટ્સ અથવા ૨૨.૩૧ ટકા ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૪,૭૮૦ પોઈન્ટ્સ અથવા ૨૪.૬૦ ટકા ઊછળ્યો હતો. આ રીતે છેલ્લી દિવાળીથી રોકાણકારો ૧.૫ ટ્રિલિયનથી વધુ સમૃદ્ધ બન્યા હોવા સાથે સંવત ૨૦૮૦ને હવે સૌથી વધુ સંપત્તિ સર્જનાર વર્ષ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે.

પ્રાઇમરી માર્કેટનો અહીં ખાસ ઉલ્લેખ કરવો પડે. એક અભ્યાસ દરમિયાન વર્ષ દરમિયાન મૂડીબજારમાં ૩૩૬ કંપની જાહેર ભરણાં સાથે પ્રવેશી હતી અને તેમાંના ૧૦૦થી વધુ આઇપીઓએ પચાસ ટકા ઊંચા ભાવે લિસ્ટિંગ મેળવ્યું હતું. આમાંના ૧૬૩ આઇપીઓના શેર હાલમાં તેમની ઇશ્યૂ કિંમતોથી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. આઇપીઓ માટે પણ વર્ષ સંખ્યા, મૂલ્ય અને કમાણીની દૃષ્ટિએ વિક્રમી રહ્યું હતું. બજારમાં જે પ્રવાહિતાનો ધોધ છે તે જોતાં, મૂડીબજારમાં આગામી દિવસોમાં પણ તેજી જણવાઇ રહેવાનો આશાવાદ દેખાઇ રહ્યો છે.

ઇક્વિટી માર્કેટ માટે કેટલાક સકારાત્મક પરિબળોની વાત કરીએ તો કેન્દ્રમાં સ્થિર સરકાર, ભૌગોલિક રાજકીય અનિશ્ર્ચિતતાઓ, મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અને સ્થાનિક ફંડ્સ દ્વારા રેકોર્ડ ઇન્ફ્લો (અંદાજે રૂ. ૪.૭ લાખ કરોડ), વિદેશી ફંડોની એકધારી વેચવાલી (અંદાજે રૂ. ૨.૫ લાખ કરોડ) જેવા મિશ્ર અથવા વિરોધાભાસી પરિબળો હોવા છતાં રોકાણકારો સરવાળે લાભમાં રહ્યાં છે.

બજારના અભ્યાસુઓ માને છે કે, ભૌગોલિક રાજકીય ચિંતાઓ હોવા છતાં, સ્થાનિક ઘટનાઓ જેવી કે ચૂંટણીઓ, સારું ચોમાસું, મજબૂત મેક્રો ઈન્ડિકેટર્સ અને સેબીના રોકાણકારોને બચાવવાના સતત પ્રયાસોએ મજબૂત અને આશાસ્પદ માર્કેટ ઈકોસિસ્ટમમાં ફાળો આપ્યો છે.

દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે કે તેના રોકાણકારોની સંખ્યા ૨૦ કરોડને વટાવી ગઇ છે. રિટેલ રોકાણકારોની સંખ્યા અને નવા ડિમેટ ખાતાની સંખ્યા સાથે મ્યુચ્યઉઅલ ફંડમાં ઠલવાતાં નાણાંનું પ્રમાણ સતત નવા વિક્રમ નોંધાવી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં જ્યારે ઉદ્યોગ દ્વારા સંચાલિત કુલ અસ્કયામતો લગભગ રૂ. ૬૮ લાખ કરોડની હતી, ત્યારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) રૂટ દ્વારા માસિક ગ્રોસ ઇનફ્લો રૂ. ૨૫,૦૦૦ કરોડની નજીક હતો. આ તમામ આંકડા લાઇફટાઇમ હાઇ સપાટી દર્શાવે છે.

અન્ય એસેટ ક્લાસની વાત કરીએ તો, ભારતીયોમાં સૌથી વધુ પ્રિય કિંમતી ધાતુ સોનાએ વાર્ષિક વળતરની દ્રષ્ટિએ બીજું સ્થાન મેળવ્યું છે. સંવત ૨૦૮૦માં પણ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં વર્ષ દરમિયાન ચાંદીના ૩૭ ટકાના વધારાની સરખામણીમાં સોનાનું વાર્ષિક વળતર ૩૩ ટકા રહ્યું છે.

અન્ય લોકપ્રિય ઇન્વેસ્ટેમેન્ટ એસેટ્સમાં, બિટકોઇને ૭૨ ટકાના વળતર સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એસેટ ક્લાસનું સ્થાન મેળવ્યું હતું. વળતરના સ્પેક્ટ્રમની બાજુએ, રૂપિયો અને ક્રૂડ ઓઈલ ભાગ્યે જ કોઈ વળતર જનરેટ કરે છે. રિટેલ રોકાણકારોના મજબૂત રસ વચ્ચે, ૩૩૬ કંપનીઓએ સંવત ૨૦૮૦માં શેરબજારમાં પ્રવેશ કર્યો હતો, જેમાંથી ૨૪૮ કંપની એસએમઇ સેગમેન્ટમાંથી આવી હતી. ઉદ્યોગના ડેટા મુજબ, આમાંના લગભગ ૧૦૦ આઇપીઓએ ૫ચાસ ટકાથી વધુના લિસ્ટિંગ લાભ સાથે લોન્ચ થયાકર્યા છે અને ૧૬૩ આઇપીઓ હાલમાં તેમની ઇશ્યૂ કિંમતોથી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે.

નવું સંવત અથવા હિન્દુ નવું વર્ષ દિવાળીના સમયે શરૂ થાય છે. આ સમય દરમિયાન, ઘણા રોકાણકારો માને છે કે મુહૂર્ત દરમિયાન કરવામાં આવેલા સોદા આગામી વર્ષ માટે સમૃદ્ધિ લાવે છે. બજારના નિષ્ણાતોના મતે, સંવત ૨૦૮૦માં નિફ્ટી ૨૫ ટકા અને નિફ્ટી-૫૦૦ ઇન્ડેક્સે ૩૦ ટકા રિટર્ન આપતાં રોકાણકારોએ ખુશ થવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button