
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, નીતિને પગલે અમેરિકા સહિતની વિશ્વભરની ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં રોકાણકારોને થયેલી વ્યાપક નુકસાની સરભર કરવા માટે રોકાણકારો સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટીને સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં તળિયેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2603થી 2613નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 89,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતર્યા હતા.
સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ગત શુક્રવારના વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતરીને રૂ. 88,375ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2603 ઘટીને રૂ. 88,047 અને રૂ. 2813 ઘટીને રૂ. 88,401ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાની વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો થોડોઘણો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભારતના વિદેશી મુદ્રા ભંડારમા સતત વધારો, સોનાના ભંડારમા પણ ઉછાળો…
અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ સામે ચીને પણ ટેરિફ વધારાની જાહેરાત કરતાં વિશ્વ બજારમાં ટ્રેડ વૉરના મંડાણ થવની ભીતિ સપાટી પર આવતાં ગત શુક્રવારે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં સેલ-ઑફ અથવા તો ઑલ ફોલ ડાઉન થતાં રોકાણકારોને શૅરમાં થયેલી નુકસાની સરભાર કરવા માટે સોનામાં વેચવાલીનું દબાણ વધતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તક્ક્કે હાજરમાં સોનાના ભાવ એક ટકા કરતાં વધુ તૂટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ વધુ 0.1 ટકો ઘટીને આૈંસદીઠ 3034.02 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી 0.5 ટકા વધીને 3051 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ન્યૂ યોર્ક ખાતે ગત શુક્રવારે ચાંદીના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી બે ટકા વધીને આૈંસદીઠ 30.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ચીને અમેરિકી ટેરિફના વળતા જવાબમાં અમેરિકાથી થતી આયાત સામે વધુ 34 ટકા ટેરિફ લાદવાની સાથે મુખ્ય ખનીજોની અમેરિકા ખાતેની નિકાસ પર નિયંત્રણો લાદ્યા હોવાથી બજારમાં ખાસ કરીને આ તણાવ હળવો થવાની શક્યતા નહીંવત્ જણાતા અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હોવાનું આઈજી કેપિટલના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. સામાન્યપણે અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ હાલમાં રોકાણકારોની ઈક્વિટીમાં થયેલી નુકસાની સરભર કરવા માટે અથવા તો માર્જિન કૉલ ભરવા માટે સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ રૂ. 2900 ગબડી, સોનામાં રૂ. 35નો ઘસરકો…
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકાના ઈક્વિટી માર્કેટમાં છ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ થયું હતું અને આજે જાપાનના નિક્કીમાં નવ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, હાલને તબક્કે સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત માર્ચ મહિનામાં સતત પાંચમાં મહિનામાં ચીનની સોનાની અનામતમાં વધારો થયો હોવાના અહેવાલ હતા. આમ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી સોનામાં તેજીનો અન્ડરટોન જાળવી રાખે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.