વેપાર

ખાંડનાં મથકો પર સુધારો છતાં હાજરમાં ખપપૂરતી માગે ટકેલું વલણ

ઑક્ટોબરમાં મુક્ત વેચાણ માટે ૨૫.૫ લાખ ટન ખાંડનો ક્વૉટા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોના ભાવ ક્વિન્ટલે રૂ. ૨૦થી ૨૫ વધીને રૂ. ૩૬૦૫થી ૩૬૫૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ છતાં નાકા ડિલિવરી ધોરણે મથકો પરના પ્રોત્સાહક અહેવાલ અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ વધી આવ્યા હતા.

દરમિયાન ગઈકાલે મોડી સાંજે ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયના અનાજ અને જાહેર વિતરણ વિભાગે આગામી ઑક્ટોબર મહિનાના મુક્ત વેચાણ માટે ૨૫.૫ લાખ ટન ખાંડ છૂટી કરી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું. એકંદરે આગામી મહિનામાં દશેરા અને દિવાળી જેવા તહેવારો હોવાથી માગમાં વધારો થશે. તેમ જ જાહેર કરવામાં આવેલો ક્વૉટા ગત સાલની સરખામણીમાં બે લાખ ટન ઓછો હોવાથી ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે આવતા મહિનામાં દેશાવરોની માગ પ્રબળ રહેશે અને ટ્રકની અછત ન સર્જાય તો ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦૦થી ૧૫૦નો વધારો જોવા મળી શકે છે.

દરમિયાન આજે સ્થાનિકમાં હાજરમાં ખાસ કરીને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતા સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૧૨થી ૩૭૭૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૨થી ૩૯૨૬માં ટકેલા ધોરણે થયા હતા. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ ઉપરાંત મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ વધીને અનુક્રમે રૂ. ૩૬૭૦થી ૩૭૦૫માં અને રૂ. ૩૭૫૫થી ૩૮૦૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…