ખાંડના મથકો પર સુધારો છતાં સ્થાનિકમાં પાંખાં કામકાજે ટકેલું વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ પ્રબળ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના સુધારા સાથે ક્વિન્ટલે રૂ. ૩૬૪૦થી ૩૬૮૦માં થયા હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતને કારણે કામકાજો એકંદરે છૂટાછવાયા રહેતાં હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવ ક્વિન્ટલે રૂ. ૧૫ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવકો જળવાઈ રહી હતી, પરંતુ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ગુણવત્તાનુસાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૭૪૨થી ૩૮૫૨માં અને રૂ. ૩૮૪૨થી ૩૯૫૩માં ટકેલા ધોરણે થયા હતા.