તેલીબિયાનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર્યાપ્ત ભંડોળ સાથે રાષ્ટ્રીય મિશન શરૂ કરવા ઉદ્યોગનો અનુરોધ
આયાતી તેલમાં મિશ્ર વલણ, વેપાર છૂટાછવાયા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ રહેતાં વધુ ૩૭ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૨૮ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ તેમ જ સ્થાનિકમાં ફરતા માલની ખેંચ વચ્ચે કામકાજો પણ પાંખા રહ્યા હોવાથી આયાતી તેલના ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું, જેમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. સાતનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોયા રિફાઈન્ડ અને સોયા ડિગમમાં અનુક્રમે રૂ. પાંચ અને રૂ. આઠ વધી આવ્યા હતા. આજે સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગના અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને આયાત નિર્ભરતા ઘટાડવા સ્થાનિકમાં તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૨૪-૨૫ના આગામી અંદાજપત્રમાં કૃષિને અગ્રતાક્રમ આપીને પર્યાપ્ત ભંડોળ સાથે રાષ્ટ્રીય મિશન શરૂ કરવાનો સરકારને અનુરોધ કર્યો છે.આ ઉપરાંત આયાતી રિફાઈન્ડ તેલનાં ડ્યૂટીના વિપરીત માળખામાં ફેરફાર કરવાની સાથે રાઈસબ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ ૩૧ જુલાઈ પછી ન લંબાવવામાં આવે તેવી અરજ કરી છે. આજે સ્થાનિકમાં રેડી ડિલિવરી શરતે આરબીડી પામોલિનના અંદાજે ૨૦૦ ટનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૨થી ૯૨૩માં અને વાર ટૂ વાર ધોરણે છૂટાછવાયા વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫માં થયા હતા. જોકે, આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે માત્ર રૂચીનાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૮૦ અને સોયા ડિગમના રૂ. ૯૯૦ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય અન્ય કોઈ રિફાઈનરે ભાવ નહોતા ક્વૉટ કર્યા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૨૦, ક્રૂડ પામતેલના રૂ. ૮૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૮૦, સોયા ડિગમના રૂ. ૯૨૮, સન રિફાઈન્ડના રૂ. ૯૭૫, સન ક્રૂડના રૂ. ૯૩૦, સિંગતેલના રૂ. ૧૫૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫થી ૯૨૫માં અને રૂ. ૧૪૫૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૨૫માં થયા હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૩૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૪૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૬૭૫માં થયા હતા.