સ્વદેશી ચીજોઃ આયાત નિર્ભરતા ઘટાડવા સરકાર ટૂંક સમયમાં અંદાજે 100 ચીજોની યાદી જાહેર કરશે

નવી દિલ્હીઃ હાલમાં દેશ સ્વદેશી ચીજોને પ્રોત્સાહિત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હોવાથી સરકાર ટૂંક સમયમાં જે ચીજોમાં આપણે આયાતનિર્ભર છીએ તેવી રસાયણ અને પ્લાસ્ટિક સહિતની અંદાજે 100 ચીજોની યાદી જાહેર કરશે, જેથી સ્થાનિક ઉદ્યોગ તેની ક્ષમતાનું વિસ્તરણ કરે અને દેશની આત્મ નિર્ભરતામાં વધારો થાય, એ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારતીય ચીજો પર લાદેલા રેસિપ્રોકલ ટૅરિફ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે કરેલી હાકલને ધ્યાનમાં લેતા ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી
અત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે આયાત નિર્ભરતા ઘટાડી શકાય એવા 100 ઉત્પાદનો ઓળખી કાઢવામાં આવશેે જેની સ્થાનિકમાં ઉત્પાદન ક્ષમતા વધારી શકાય અથવા તો હાલની ઉત્પાદન સુવિધાનો સારી રીતે વપરાશ કરીને ઉત્પાદન વધારી શકાય તેમ છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમારો પ્રયાસ રહેશે કે અમે આ ઉત્પાદનોને ઓળખીએ અને તેને જાહેર કરીએ જેથી ઉત્પાદકો વર્તમાન અને ભવિષ્યમાં જોઈ શકે અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી શકે. જોકે, આ યાદી આ મહિનાના અંત અથવા તો ઑક્ટોબરમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
વાણિજ્ય મંત્રાલયે તેનાં પ્રાથમિક આંકલનમાં સ્વદેશી અથવા આત્મનિર્ભરતા દ્વારા કયા ઉત્પાદનોને સરળતાથી બદલી શકાય છે તેવા ઓળખી કાઢવામાં આવેલા ઉત્પાદનોમાં રસાયણો, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ વગેરે ક્ષેત્રનાં ઉત્પાદનો પર અમે નજર રાખી રહ્યા છીએ, એ જણાવતા ઉમેર્યું હતું કે આ યાદી જાહેરાત કરતાં પૂર્વે સરકાર વિવિધ સરકારી વિભાગો તથા ઉદ્યોગ સાથે સલાહમસલત કરશે.