બેતરફી વધઘટને અંતે ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા સાથેની થયેલી ટ્રેડ ડીલ અંગે ગત શનિવારે બન્ને દેશો દ્વારા સંયુક્તપણે વિગતોની જાહેરાત કરવામાં આવી હતી અને આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડીલરો ડીલના આકારણી કરી રહ્યા હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર સામે રૂપિયામાં બેતરફી વધઘટ જોવા મળી હતી અને સત્રના અંતે રૂપિયો એક પૈસાના ઘટાડા સાથે 90.66ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જોવા મળેલી લેવાલી ઉપરાંત આજે ઈક્વિટી માર્કેટમાં રહેલા સુધારાતરફી વલણને કારણે રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 90.65ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 90.66ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.73 અને ઉપરમાં 90.37ની રેન્જમાં રહ્યા બાદ અંતે એક પૈસાના ઘટાડા સાથે 90.66ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 31 પૈસા ગબડીને 90.65ના મથાળે બંધ રહ્યો હતો.
ગત શનિવારે ભારત અને અમેરિકાએ સંયુક્તપણે વચગાળાના વેપાર કરાર અંગેની વિગતો જાહેર કરી હતી, જેમાં અમેરિકા બન્ને પક્ષો આયાત થતાં માલ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવા સહમત થયા હતા. અમેરિકા ભારતથી આયાત થતાં માલ પરની ટૅરિફ જે હાલ 50 ટકા છે તે ઘટાડીને 18 ટકા કરશે, જ્યારે ભારત અમેરિકાથી આયાત થતા ઔદ્યોગિક ઉત્પાદનોની ડ્યૂટીમાં ઘટાડો કરશે અને સોયાબીન, ડિસ્ટિલિયર ડ્રાઈડ અને સોલ્યુબલ્સ (ડીડીજીએસ) સહિત અમેરિકન ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની, પશુ આહાર માટે લાલ જુવારની, ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ્ડ થયેલા ફળો, સોયાબીન તેલ, દારૂ-વાઈન્સ, સ્પિરિટની આયાત કરશે. તેમ જ બન્ને દેશોએ આગામી પાંચ વર્ષ સુધી 500 અબજ ડૉલરની ખરીદીની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.05 ટકા ઘટીને 97.58 અને ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.04 ટકા ઘટીને બેરલદીઠ 67.34 ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે આજે ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 485.35 પૉઈન્ટ અને 173.60 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1950.77 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા.



