ક્રૂડ તેલના ભાવ ઘટતાં રૂપિયો 13 પૈસા મજબૂત

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે આજે ક્રૂડ તેલ સહિતની અન્ય કૉમૉડિટીના ભાવમાં જોવા મળેલા ઘટાડા ઉપરાંત અમેરિકા સાથેની ટ્રેડ ડીલને ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈને 90.34ની સપાટીએ બંઘ રહ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આવતીકાલે સમાપન થનારી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનેટરી પૉલિસી કમિટીની બેઠકની ફળશ્રુતિને ધ્યાનમાં લેતા અમુક ટ્રેડરોએ સાવચેતીનું વલણ પણ અપનાવ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
અમેરિકા સાથેની ટ્રેડ ડીલના પ્રોત્સાહક અહેવાલ બાદ હવે ટ્રેડરોની નજર અંતિમ કરારની વિગતવાર માહિતી પર મંડાઈ હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.47ના બંધ સામે સાધારણ નરમાઈના વલણ સાથે 90.52ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.53 અને ઉપરમાં 90.06 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 13 પૈસાના સુધારા સાથે 90.34ની સપાટીએ બંધ રહ્યો હતો.
આપણ વાચો:ડૉલર સામે રૂપિયો 92.02ની ઐતિહાસિક નીચી સપાટી સ્પર્શીને છ પૈસાના સુધારે બંધ
એકંદરે ટ્રેડ ડીલના નિર્દેશોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે તેમ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડ તેલમાં ભાવવધારો અને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 90થી 90.50 આસપાસની રેન્જમાં રહે તેમ જણાય છે.
આવતીકાલે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનેટરી પૉલિસીની બેઠક સમાપન થશે અને ગત ફેબ્રુઆરી અને મે મહિનાની બેઠકમાં રિપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી આ બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવામાં એવી ધારણા નિષ્ણાતો મૂકી રહ્યા છે. તેમ છતાં અમુક વર્ગનું માનવું છે કે ધિરાણ ખર્ચ ઘટાડવા માટે રિઝર્વ બૅન્ક હજુ વ્યાજદરમાં કાપ મૂકશે.
આપણ વાચો: ક્રૂડતેલ ઉછળતા રૂપિયો 44 પૈસા પટકાયો…
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.43 ટકા ઘટીને બેરલદીઠ 68.47 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં 29.79 કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 503.76 પૉઈન્ટનો અને 133.20 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.29 ટકા વધીને 97.90 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



