વેપાર

ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઊંચકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાએ ભારતથી થતી આયત સામે ઊંચા ટૅરિફને ધ્યાનમાં લેતા આજથી શરૂ થયેલી બે દિવસીય વેપાર વાટાઘાટોમાં ઉકેલ આવે તેવા આશાવાદ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઊંચકાઈને 88.08ના મથાળે બંઘ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાને કારણે પણ રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.16ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.05ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.16 અને ઉપરમાં 88.01 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે આઠ પૈસા વધીને 88.08ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 10 પૈસાનો સુધારો આવ્યો હતો.

આપણ વાંચો: ફરી ડૉલર સામે રૂપિયો ગગડ્યોઃ જાણો ક્યા પહોંચ્યો

તાજેતરમાં અમેરિકાના રોજગાર સહિતનાં આર્થિક ડેટાઓ નબળા આવી રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ દ્વારા આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે અને બજાર વર્તુળો 25 બેસિસ પૉઈન્ટના રેટકટની ધારણા મૂકી રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે અને 87.75થી 88.30 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્સ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ કરી હતી.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.26 ટકા ઘટીને 97.04 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.28 ટકા ઘટીને બેરલદીઠ 67.25 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 594.95 પૉઈન્ટનો અને 169.90 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1268.59 કરોડની ચોખ્ખી વેચવાલી જળવાઈ રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button