રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે ડૉલર સામે રૂપિયો 27 પૈસા ઊંચકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે આજે ખાસ કરીને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો તેમ જ સંભવિતપણે રિઝર્વ બૅન્કે હાજર બજારમાં હસ્તક્ષેપ કરતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો એક તબક્કે 43 પૈસા ઉછળ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 27 પૈસા ઊંચકાઈને 89.91ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.18ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 90.20ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.23 અને ઉપરમાં 89.75ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 27 પૈસા વધીને 89.91ના મથાળે રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 12 પૈસાનો સુધારો આવ્યો હતો.
આજે રિઝર્વ બૅન્કે 90.23 આસપાસના મથાળે ડૉલરમાં વેચવાલી કરીને અમુક સપાટીથી રૂપિયો નીચે ઊતરવા નહીં દેવામાં આવે એવા સંકેતો આપ્યા હોવાથી હાલના તબક્કે રૂપિયાની વધઘટ અંગે અણસાર આપવો મુશ્કેલ હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે જાન્યુઆરી દરમિયાન ડૉલર સામે રૂપિયો 89.50થી 90.50 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.07 ટકા વધીને 98.65 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 102.20 પૉઈન્ટનો અને 37.95 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 107.63 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.99 ટકા ઘટીને બેરલદીઠ 60.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કર્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



