વેપાર

ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા ધોવાઈને નવા તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો જોવા મળ્યો હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી ફંડોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને આયાતકારોની ડૉલરમાં પ્રબળ લેવાલી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ગઈકાલના બંધ સામે 36 પૈસા સુધી ગબડીને 91ની સપાટી પણ કુદાવી ગયો હતો. જોકે, અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના ધોવાણ સાથે 90.94ની સપાટીએ બંધ રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.78ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90.87ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.14 અને ઉપરમાં 90.76ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના ઘટાડા સાથે 90.94ના નવા તળિયે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં પાંચ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં એક ટકા જેટલો ઘટ્યો છે અને આ મહિનામાં રૂપિયો 92ની સપાટી પણ પાર કરી જાય તેવી શક્યતા ફોરેક્સ ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 29 પૈસાનો કડાકો બોલાયો હતો.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ વેપાર કરાર અંગેના ભારતના પ્રસ્તાવથી સહમત ન હોવાના અહેવાલો વહેતાં થતાં હવે નવા પ્રસ્તાવ તૈયાર ન થાય ત્યાં સુધી ટ્રેડ ડીલ વિલંબિત થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવતાં આજે ડૉલર સામે રૂપિયાએ નવી નીચી 91.14ની સપાટી બતાવીને અંતે નવા તળિયે બંધ રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપની ગેરહાજરીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી અવિરત વેચવાલી ગબડતા રૂપિયાને વધુ ઢાળ આપી રહી છે. અમારા મતે આવતીકાલે હાજર બજારમાં ડૉલર સામે રૂપિયાની રેન્જ 90.75થી 91.25 આસપાસની જોવા મળે તેવી શક્યતા છે.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા ઘટીને 98.23 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.78 ટકા ઘટીને બેરલદીઠ 59.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 533.50 પૉઈન્ટનો અને 167.20 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1468.32 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતા રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button