ડૉલર સામે રૂપિયો 92.02ની ઐતિહાસિક નીચી સપાટી સ્પર્શીને છ પૈસાના સુધારે બંધ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ઐતિહાસિક નીચી 92.02ની સપાટીને સ્પર્શ્યો હતો.
જોકે, વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાના નિર્દેશો સાથે સત્રના અંતે રૂપિયો ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે 91.93ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 91.99ના બંધ સામે સુધારાના અન્ડરટોને 91.89ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.02 અને ઉપરમાં 91.82ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે 91.93ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે અગાઉ 23મી જાન્યુઆરીના રોજ ડૉલર સામે રૂપિયો 92ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો 11 પૈસા નબળો પડ્યો
ગઈકાલે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી આજે ડૉલર સામે રૂપિયામાં ઐતિહાસિક નીચી સપાટીએથી સુધારો આવ્યો હતો. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં ફેડરલ રિઝર્વના નવાં અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે, એવું જણાવતા ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.45 ટકા વધીને 96.57 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 296.59 પૉઈન્ટ અને 98.25 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 393.97 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.
તેમ છતાં ગઈકાલના ઘટાડા બાદ આજે પુનઃ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.96 ટકા ઘટીને બેરલદીઠ 70.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સાધારણ સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



